ભાઈબીજના દિવસે દેવભૂમિ દ્વારકામાં જગત મંદિરે ભક્તોનું ઘોડાપૂર

  • November 06, 2024 10:05 AM 

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીત રસમ સાથે ઊજવણી કરવામાં આવી હતી.


દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા બીજા દિવસે અન્નકુટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ, ચાંદી તથા અન્ય ઉચ્ચઘાતુઓનાં અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો. દિપાવલી પર્વ નિમિત્તે જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતુ.


રાત્રિના સમયે જગતમંદિરની ત્રિજયામાં દસ દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો. જગતમંદિરમાં આવેલાં નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.


શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં ચાલી રહેલાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુંઓના પ્રવાહમાં મંદી જોવાયા બાદ નવવર્ષથી શરૂ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકાનગરીમાં આવેલાં હોટલ - ધર્મશાળા - ગેસ્ટહાઉસ - ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા. દિપાવલી તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા.જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રીલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબતી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચકક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી રહી છે.પીક અવર્સ દરમ્યાન ટ્રાફીકની પણ સમસ્યા જોવા મળતી હોય અને શહેરભરમાં ઠેરઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.


યાત્રાધામમાં આવેલાં રેસ્ટોરાં તથા હોટલો, ધાબાઓ વગેરેમાં પણ યાત્રીકોની પુષ્કળ ભીડભાડ જોવા મળી રહી છે. આગામી પખવાડિયા સુધી યાત્રાધામમાં વેકેશનને લીધે ભીડભાડ જોવા મળે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. ભાઈબીજે ગોમતી સ્નાન, વિશેષ આરતી, દીપદાન તથા ચુંદડી મનોરથ ભાઈબીજ પર્વે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરૂં મહત્ત્વ હોય, હજારો ભાવિકોએ આ પાવન દિવસે પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું સવિશેષ મહત્વ હોય હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે માં ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. તેમજ ચુંદડી મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનીય મહિલાઓ - કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મૂકવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News