જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ કાળનો કોળિયો બની

  • April 01, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વસઈની ગોળાઈમાં બાઈક સ્લીપ થઈ જતાં બાઇક ચાલક યુવાનનું મોત: પત્ની-પુત્રને ઇજા: બેડ નજીક પગપાળા ચાલીને જઈ રહેલી ભિક્ષુક મહિલાને મીની બસના ચાલકે ઠોકરે ચડાવતાં બનાવનાર સ્થળે જ કરુણ મૃત્યુ


જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ તેમજ બેડ ગામના પાટીયા પાસે અલગ અલગ બે વાહન અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. સિક્કામાં રેહેતો ટ્રક ચાલક યુવાન પોતાનું બાઈક લઈને તેમાં પત્ની અને પુત્રને પાછળ બેસાડીને સચાણા જઈ રહ્યો હતો, દરમિયાન વસઈની બોલાઈ પાસે બાઈક સ્લીપ થઈ જતાં પતિ-પત્ની અને પુત્ર ઘાયલ થયા હતા, જે પૈકી બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જયારે બેડ ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહેલી એક વૃદ્ધ મહિલાને મીની બસના ચાલકે ઠોકરે ચડાવતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે.

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતો હસન જુનશભાઈ સંધાર (ઉ.વ.૩૩) કે જે ટ્રકમાં ડ્રાઇવિંગ કામ કરે છે. જે ગત ૧૮મી તારીખે પોતાનું બાઈક લઈને સિક્કા ગામ થી સચાણા ગામ તરફ જઈ રહ્યો હતો, અને બાઈકમાં તેની પત્ની મુમતાઝ (ઉ.વ.૩૦) અને પુત્ર અલી (ઉ.વ.૬) ને સાથે બેસાડ્યા હતા.


દરમિયાન તેનું બાઈક વસઇ ગામની ગોળાઈ પાસે સ્લીપ થઈ ગયું હતું, જેમાં પતિ પત્ની અને બાળક ત્રણેય ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અકસ્માતમાં બાઈક ચાલક હસન જુનુશ સંઘારનું હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જયારે તેની પત્ની મુમતાજ અને પુત્ર અલીને સારવાર આપી દેવાયા પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ અકસ્માત મામલે પોલીસ ને જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


અકસ્માત નો બીજો બનાવ બેડ ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી જામનગર ની ખાનગી મીની લક્ઝરી બસના ચાલકે રાહદારી અજ્ઞાત વૃદ્ધ મહિલાને હડફેટમાં લઈ લેતાં મહિલા ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમજ તેનો ડાબો પગ કપાઈ ગયો હોવાથી ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે સામાજિક કાર્યકર અનિરુદ્ધપૂરી માયાપુરી ગોસ્વામી એ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.આર.હે તેમજ પોલીસે હેડ  કોન્સ્ટેબલ સીડી ગાંભવા  બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે મીની લક્ઝરી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News