કાળીયા ઠાકોરને ત્રિવિધ ભોગ મનોરથ અર્પણ

  • October 28, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બપોરે 3 વાગ્યે ચંદ્રગહણને લીધે મંદિર રહેશે બંધ: આજે સાંજે પાંચ વાગ્યે મંગલા આરતી



દ્વારકાના જગતમંદિરમાં શરદોત્સવ નિમિતે એક જ દિવસમાં ત્રિવિધ ભોગ મનોરથ દર્શન યોજાયા હતા.જેમાં સવાર-સાંજે અન્નકૂટ મનોરથ, સંધ્યા સમયે કુંડલા ભોગ અર્પણ કરાયો હતો. રાણીવાસમાં બિરાજતાં ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજી મહારાજને મંદિર પરિસરમાં ચંદ્ર પ્રકાશમાં બિરાજમાન કરાવી દૂધ પૌવાનો મહા ભોગ લગાવી ઉત્સવ આરતી કરાઇ હતી. ભાવિકોએ ભગવાન સાથે રાસોત્સવ ઉજવ્યો હતો. જગતમંદિરમાં શરદપૂર્ણિમાના અવસરે સવાર-સાંજના સમય દરમ્યાન અલગ અલગ ભાવિક પરિવાર દ્વારા એક સાથે ત્રિવિધ ભોગ મનોરથ યોજવામાં આવ્યા હતા. ભાવિકોએ વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે શૃંગાર આરતી સમયે તેમજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે અન્નકૂટ મનોરથ યોજવામાં આવ્યા હતા.



સાંજે શરદોત્સવના સમય દરમ્યાન પણ અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે શરદોત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરાઇ હતી જેમાં જગતમંદિર પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર ધારણ કરાવાયા હતા. રાજાધિરાજને સાંજે વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક પર મયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતનો દિવ્ય શૃંગાર ધારણ કરાવવામાં આવ્યો હતા.



સંધ્યા આરતી બાદ 7-30 થી 9-30 સુધી જગતમંદિર પરિસરમાં રાસોત્સવ યોજાયો હતો. જેમાં રાણીવાસમાં બિરાજતાં ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજી મહારાજને મંદિર પરિસરમાં ચંદ્રના પ્રકાશમાં બિરાજમાન કરાવી દૂધ પૌવાનો વિશેષ મહા ભોગ લગાવી ઉત્સવ આરતી કરાઇ હતી. ગોપીભાવથી પુજારી દ્વારા ગોપીવેશ ધારણ કર્યો હતો. જગત મંદિરમાં શરદોત્સવનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકોજગ મંદિરમાં રાસોત્સવ મનાવવા ઉમટયા હતા. જગતમંદિરમાં શનિવારે સવારે 5 વાગ્યે મંગલા, બપોરે 3 કલાકે મંદિર બંધ દ્વારકાધીશ જગતમંદિરમાં કાલે શનિવારના ચંદ્રગ્રહણ હોય,જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂરી ફેરફાર નોંધાયો છે. કાલે શરદ પૂર્ણિમાના મંગલા આરતી સવારે 5.00 કલાકે થશે જ્યારે અનોસર (દર્શન બંધ) સવારે 11.00 કલાકે થશે. 11.00 થી 12.00 સુધી મંદિર બંધ રહેશે. ઠાકોરજીના ઉત્થાપન દર્શન બપોરે 12.00 કલાકે અને શયન (મંદિર બંધ) બપોરે 3.00 કલાકે થશે. ચંદ્રગ્રહણ હોય ત્યારબાદ મંદિર સાંજ અને રાત્રિ દરમ્યાન બંધ રહેશે. જયારે બીજા દિવસે તા.29ને રવિવારે સવારે નિત્યક્રમાનુસાર ખૂલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application