બીજેપીમાંથી સસ્પેન્ડ નૂપુર શર્માને મળ્યું હથિયારનું લાઇસન્સ, પયગંબર વિવાદ બાદ સતત મળી રહી હતી ધમકીઓ

  • January 12, 2023 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને હથિયાર રાખવાનું લાઇસન્સ મળી ગયું છે. નૂપુર શર્માએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી. પયગંબર મોહમ્મદ વિવાદ બાદ તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. દિલ્હી પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી છે.


નુપુર શર્માએ જૂન 2022માં ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી ભારે વિરોધ થયો હતો. તેની સામે અનેક રાજ્યોમાં કેસ પણ નોંધાયેલા છે. કથિત રીતે, તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હતી. વિવાદને જોતા ભાજપે પણ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. ધમકીઓ મળતાં નુપુર શર્માએ સ્વબચાવ માટે હથિયાર રાખવાની પરવાનગી માંગી હતી.


​​​​​​​નુપુરને વિદેશમાંથી પણ ધમકીઓ મળી હતી

નુપુર શર્મા વિરુદ્ધ 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ નોંધાયા છે. જોકે સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધા હતા. ભારત ઉપરાંત નૂપુર શર્માને પયગંબર મોહમ્મદ વિવાદને લઈને વિદેશમાંથી પણ 'સર તન સે જુદા'ની ધમકી આપવામાં આવી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ અને પુણેમાં રસાયણશાસ્ત્રી ઉમેશ કોલ્હેની હત્યા પાછળનું એક કારણ એ હતું કે તેઓએ નૂપુર શર્માને કથિત રીતે ટેકો આપ્યો હતો. નુપુર શર્માએ પણ ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ બિનશરતી પોતાનું નિવેદન પાછું લઈ લીધું છે.

સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી

આ પહેલા સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પારડીવાલાએ આકરી ટીપ્પણી કરી અને કહ્યું કે દેશમાં ખરાબ વાતાવરણ માટે નુપુર શર્મા જવાબદાર છે. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસને પણ ફટકાર લગાવી હતી અને પૂછ્યું હતું કે એફઆઈઆર નોંધાયા બાદ પણ તેમની ધરપકડ કરવામાં આવી નથી?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application