પહેલા કહે પરીક્ષા લો...પછી કહે ન લો અને હવે ફરી પરીક્ષા લેવા રજૂઆત

  • September 21, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિકાસ સેવા વર્ગ બે ના સીધી ભરતીથી નિયુક્ત થયેલ અધિકારીઓની તથા વર્ગ ત્રણ માંથી વર્ગ 2 માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષા છેલ્લા બે વર્ષથી લેવામાં આવી ન હોવાથી સીધી ભરતીવાળા અનેક અધિકારીઓ પ્રમોશનથી વંચિત હોવાની રજૂઆત કરી પરીક્ષા તાત્કાલિક યોજવાની માંગણી ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. મહામંડળની આ માગણીને ધ્યાનમાં રાખી પંચાયત કમિશનર દ્વારા સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)ને પરીક્ષા નું આયોજન કરવા આદેશ કર્યો હતો.

સરકારના આ આદેશ મુજબ સ્પીપાએ તારીખ 21 ઓગસ્ટના રોજ આ બંને પરીક્ષા લેવા માટે જાહેરાત કરી તારીખ 9 થી 13 સુધી સપ્ટેમ્બર સુધી આ પરીક્ષા લેવાશે તેમ જણાવ્યું હતું.સ્પીપા ની જાહેરાત પછી થોડા સમયમાં જ ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળે આ મામલે પંચાયત વિભાગના અગ્ર સચિવ સમક્ષ રજૂઆત કરી આ પરીક્ષા મોકુફ રાખવા માટે માગણી કરી હતી. મોટાભાગના કર્મચારીઓ વરસાદથી થયેલી નુકસાનીના સર્વેમાં હોવાથી પરીક્ષા મુલતવી રાખવા માટે મહામંડળે માગણી કરી હતી.

મહામંડળ ની આ માગણી મુજબ સ્પીપા એ છેલ્લી ઘડીએ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા મોકુફીની જાહેરાત કરી હતી.
દરમિયાનમાં ફરી ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળે પંચાયત વિભાગના અગ્ર સચિવ સમક્ષ મુલતવી રખાયેલી પરીક્ષા લેવા માટે માગણી કરી છે અને હવે સરકાર ફરી સ્પીપા ને આદેશ કરે તેમ જાણવા મળે છે.
પરીક્ષા લેવા અને ન લેવા બાબતે વારંવાર મહામંડળ દ્વારા કરાતી વિરોધાભાસી રજૂઆતો પંચાયતના કર્મચારીઓમાં અને અધિકારીઓમાં ભારે ચચર્નિો મુદ્દો બનેલ છે. પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ વરસાદથી થયેલા નુકસાનના સર્વે માટે મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેર કક્ષાના અધિકારીઓ રોકાયેલા હોય છે. આ ઉપરાંત દરેક તાલુકામાંથી મર્યિદિત સંખ્યામાં સ્ટાફ આ કામગીરીમાં રોકવામાં આવતો હોય છે. આમ છતાં પરીક્ષા મુલતવી રાખવાની કરાયેલી માંગણી સ્વીકારવામાં આવી હતી અને હવે ફરી પરીક્ષા લેવા માટે માગણી થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application