ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ ) વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા મેળવી રહ્યું છે. કતર હવે તેનો ઉપયોગ કરતા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાજધાની દોહાના લુલુ મોલમાં યુપીઆઈ સિસ્ટમ લોન્ચ કરી. આનો અર્થ એ થયો કે હવે ક્યુઆર કોડ દ્વારા ચુકવણી સરળતાથી કરી શકાય છે. લોન્ચ સમયે, તેમણે જણાવ્યું હતું કે યુપીઆઈ માત્ર ડિજિટલ ચુકવણીની પદ્ધતિ નથી, પરંતુ ભારતીય નવીનતા અને ટેકનોલોજીની શક્તિનું પ્રતીક પણ છે.
કતરની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ત્યાં યુપીઆઈ સિસ્ટમ લોન્ચ કરી. તેમણે જણાવ્યું હતું કે કતારમાં યુપીઆઈ ચુકવણીઓ ભારતની ટેકનોલોજી અને બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીનું ઉદાહરણ છે. તે બંને દેશો વચ્ચેના વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે. યુપીઆઈની વધતી પહોંચ વિશે બોલતા, તેમણે કહ્યું કે જ્યારે ભારતમાં 85 ટકા ડિજિટલ ચુકવણીઓ આ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, ત્યારે વિશ્વભરમાં લગભગ 50 ટકા ડિજિટલ ચુકવણીઓ પણ યુપીઆઈ દ્વારા કરવામાં આવે છે.
કતર નેશનલ બેંકએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાસાથે ભાગીદારીમાં, તેના વેપારી ગ્રાહકો માટે પોઈન્ટ-ઓફ-સેલ ટર્મિનલ્સ પર કયુઆર કોડ-આધારિત યુપીઆઈ ચુકવણીઓ શરૂ કરી છે. કતારમાં લુલુ આઉટલેટ્સ હવે ભારતીય ચુકવણી પ્રણાલી દ્વારા વ્યવહારો સ્વીકારી રહ્યા છે, ભારતના પ્રવાસીઓ કતારમાં સરળ અને વધુ અનુકૂળ ડિજિટલ ચુકવણીનો આનંદ માણી શકે છે, જેનાથી રોકડ વહન કરવાની અથવા ચલણ વિનિમયનું સંચાલન કરવાની જરૂરિયાત ઓછી થાય છે.
લુલુ રિટેલના ગ્રુપ ડિરેક્ટર મોહમ્મદ અલ્તાફે જણાવ્યું હતું કે વિશ્વની વર્તમાન ભૂ-રાજકીય અને આર્થિક પરિસ્થિતિને જોતાં, કતાર અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. કતારે વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધા વિકસાવી છે, વિશ્વ-સ્તરીય એરપોર્ટ અને એક ખુલ્લું બજાર વિકસાવ્યું છે જે ભારતીય કંપનીઓનું સ્વાગત કરે છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, અને ભારત-કતર સંબંધો મજબૂત સિનર્જી ધરાવે છે. આ એક પરંપરાગત, વ્યવહારિક વ્યવસાય સંબંધ છે, અને બંને દેશો તેને આગળ વધારવા માંગે છે.
દોહામાં યુપીઆઈ લોન્ચ કરવા ઉપરાંત, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કતારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હિઝ હાઇનેસ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની સાથે બેઠક યોજી હતી. આર્થિક અને વાણિજ્યિક સહયોગની ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા માહિતી શેર કરતા, પીયૂષ ગોયલે કહ્યું, બંને પક્ષોએ મજબૂત દ્વિપક્ષીય વેપાર પર આધારિત ભારત-કતર ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.