હવે ATMમાંથી નોટોની જેમ નીકળશે સિક્કા, દેશના 12 શહેરોમાં શરૂ કરાશે આ સુવિધા 

  • February 09, 2023 12:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જ્યારે તમે એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાઓ છો, ત્યારે એટીએમ કાર્ડ નાંખવાથી ચલણી નોટો બહાર આવે છે. પરંતુ હવે એટીએમમાંથી માત્ર ચલણી નોટો જ નહીં, સિક્કા પણ બહાર આવશે. બુધવારે ત્રણ દિવસની આરબીઆઈ એમપીસીની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારાની જાહેરાત સાથે QR આધારિત સિક્કા વેન્ડિંગ મશીનોના પાયલોટ પ્રોજેક્ટની પણ જાહેરાત કરી હતી.


યુપીઆઈ દ્વારા સિક્કા બહાર આવશે

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, કેન્દ્રીય બેંક QR આધારિત વેન્ડિંગ મશીનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. તેનો હેતુ સિક્કાની ઉપલબ્ધતા વધારવાનો છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંક પ્રારંભિક તબક્કામાં દેશના 12 શહેરોમાં તેને શરૂ કરવા જઈ રહી છે. આ QR કોડ આધારિત વેન્ડિંગ મશીનોનો ઉપયોગ UPI દ્વારા કરવામાં આવશે અને તેઓ નોટોને બદલે સિક્કાઓનું વિતરણ કરશે. જોકે, આ પાયલોટ પ્રોજેક્ટ માટે કયા 12 શહેરોની પસંદગી કરવામાં આવી છે, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.


બેંક ખાતામાંથી પૈસા ડેબિટ કરવામાં આવશે

આ કોઈન વેન્ડિંગ મશીનોમાંથી કોઈપણ ગ્રાહક તેની UPI એપ દ્વારા મશીનની ઉપરના QR કોડને સ્કેન કરીને સિક્કા ઉપાડી શકશે. ગ્રાહક જેટલા સિક્કા ઉપાડશે, તે રકમ તેના રજિસ્ટર્ડ બેંક ખાતામાંથી ડેબિટ કરવામાં આવશે. ખૂબ જ સરળ પ્રક્રિયા સાથે, તમે ATM પર જઈને તમારા ડેબિટ કાર્ડ દ્વારા જે રીતે નોટો ઉપાડી શકો છો, તે જ રીતે તમે આ મશીનમાંથી QR કોડ સ્કેન કરીને સિક્કા ઉપાડી શકશો. 12 શહેરોમાં શરૂ થવા જઈ રહેલા આ પાયલોટ પ્રોજેક્ટની સફળતાના આધારે તેનું વિસ્તરણ કરવામાં આવશે.


રેપો રેટમાં .25% વધારો

RBI ગવર્નરે રેપો રેટ વધારાના નિર્ણયથી દેશની સામાન્ય જનતાને ચોંકાવી દીધી છે, ત્યારે તેમણે આવી નવી જાહેરાતોથી રાહત આપવાનું કામ કર્યું છે. MPCમાં વિચાર-વિમર્શ બાદ લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતાં શક્તિકાંત દાસે એમ પણ કહ્યું કે હવે વિદેશથી આવતા મુસાફરો માટે UPI સુવિધા શરૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આ વર્ષની પ્રથમ બેઠકમાં રિઝર્વ બેંકે પોલિસી રેટ અથવા રેપો રેટમાં .25 ટકાનો વધારો કર્યો છે. આ પછી રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application