રાજકોટમાં એટલાન્ટિસ અગ્નિકાંડ બાદ ૧૪૩૫ને નોટિસ, હવે પગલાં લેવાનું શરૂ થશે, ફાયર સેફ્ટીના સાધનો જ ન હોય તેવા બિલ્ડિંગનું અલગ લિસ્ટ તૈયાર

  • May 08, 2025 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર બિગ બઝાર ચોકમાં આવેલા એટલાન્ટિસ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ધુળેટીના તહેવારના દિવસે ભભૂકેલી વિકરાળ આગમાં ત્રણ નાગરિકોના મોત નિપજ્યા હતા, આ દુર્ઘટના બાદ સમગ્ર શહેરના તમામ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીનું ચેકિંગ શરૂ કરાયું હતું જે હજુ પણ ચાલુ જ છે. દરમિયાન હવે નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતાં હવે પગલાં લેવાનું શરૂ થશે.


વિશેષમાં મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગ પછીથી આજ દિવસ સુધીમાં કુલ ૧૪૩૫ બિલ્ડીંગને નોટિસ અપાઇ છે જેમાં હાઇરાઇઝ અને લોરાઇઝ સહિતના મુખ્યત્વે રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાના બીજા જ દિવસથી ચેકિંગ શરૂ કરી નોટિસ આપવાનું શરૂ કર્યું હતું જેથી માર્ચ અને એપ્રિલમાં જેમને નોટિસ અપાઈ છે તેમની નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતી હોય હવે નોટીસધારક બિલ્ડીંગ સામે પગલાં લેવાનું શરૂ થશે.


ખાસ કરીને જે બિલ્ડીંગ્સમાં ફાયર સેફટીના સાધનો જ ન હતા તેવા બિલ્ડીંગનું અલગથી લિસ્ટ તૈયાર કરાયું છે અને તેમની સામે હવે શિક્ષાત્મક પગલાં લેવાશે, અલબત્ત આ પ્રકારના નિયમભંગ બદલ શું શિક્ષાત્મક પગલાં લેવા તે અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા બાદ કાર્યવાહી કરાશે.

એકંદરે એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં અગ્નિકાંડ બાદ આ એપાર્ટમેન્ટમાં તો બધું રાબેતા મુજબ થઇ ગયું છે પરંતુ આ એપાર્ટમેન્ટની બેદરકારીને કારણે લાગેલી આગથી અન્ય સેંકડો એપાર્ટમેન્ટના રહીશો ધંધે લાગી ગયા છે તે હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application