ખંભાળિયામાં રામનાથ મંદિર નજીકની પાંજરાપોળની કથિત જગ્યા પર ફેન્સીંગ બાંધી દેવાતા ગૌવંશ માટે નો એન્ટ્રી

  • September 28, 2023 10:25 AM 


પાંજરાપોળ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિરોધ

નધણીયાતી ગાયો નોંધારી બની: ગૌ સેવકોમાં રોષ

ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા રામનાથ મંદિર નજીક અહીંના પાંજરાપોળના સંચાલકો દ્વારા વર્ષોથી ખુલ્લી રહેલી અને તેમની મનાતી કેટલીક જગ્યા પર તાર બાંધીને આ જગ્યા બંધ કરાવી દેવામાં આવતા વર્ષોથી અહીં રહેતી, ભટકતી અને ચારો ચરતી ધણીયાતી તથા નધણીયાતી ગાયો નિરાધાર બની હોવાનો સુર ગૌસેવકોમાં ઊઠવા પામ્યો છે. જે અંગે રોષની લાગણી પણ જોવા મળી રહી છે.


ખંભાળિયા શહેરના પાદરમાં રામનાથ સોસાયટી નજીક આવેલા રામનાથ મહાદેવ મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી હજારો ફૂટ વિશાળ ખુલ્લી જગ્યા છે. અહીં કોઈપણ પ્રકારનું અનઅધિકૃત દબાણ જોવા મળતું નથી. ત્યારે છેલ્લા દાયકાઓથી રામનાથ મંદિર નજીકના વિશાળ ખુલ્લા મેદાનમાં અનેક ધણીયાતી તથા નધણીયાતી ગાયોને ગૌસેવકો તેમજ સ્થાનિક રહીશો દ્વારા ચારો નાખી અને પાલનપોષણ કરવામાં આવે છે.


આ વિશાળ ખુલ્લી જગ્યામાંથી કેટલીક જગ્યા અહીંના પાંજરાપોળ ટ્રસ્ટની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તાજેતરમાં પાંજરાપોળના સંચાલકો દ્વારા વર્ષોથી ખુલ્લી અને તેમના માટે બિન ઉપયોગી મનાતી આ જગ્યા પર તારખુટા બાંધી અને તેમની જગ્યા પેક કરી દેવામાં આવી છે


આ મુદ્દે સ્થાનિક રહીશો, ગૌ પ્રેમીઓ તેમજ ભક્તો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને આ વિસ્તારના રહીશો વિગેરેએ સંયુક્ત સહીઓ સાથેનું એક આવેદનપત્ર અહીંના જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાંજરાપોળ દ્વારા ઘી નદીની લગોલગ આવેલી આ જગ્યા પેક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, અહીં તેમના કથિત દબાણ સામે પણ આક્ષેપો કરાયા છે. સાથે સાથે એક તરફથી કહેવાતી લાયસન્સી માપણીને પણ તેઓએ ગેરકાયદેસર ગણાવી અને નિરાધાર ગાયો માટેની આ જગ્યા ખુલ્લી કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે પાંજરાપોળની કામગીરી સામે પણ આક્ષેપો આ પત્રમાં થયા છે.


આ પત્રમાં મુક અબોલ જીવ અને જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે, તેવી ગાયો દ્વારા જાણે કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોય તેમ છેલ્લા દાયકાઓથી અહીં બીમાર ગાયોની સેવા તેમજ પાલનપોષણ થાય છે. ત્યારે તેઓને બેસવાની આ જગ્યા આંચકી લઈ અને ગાય, બળદ, વાછરડાને નિરાધાર કરી દેવામાં આવ્યા હોવાનો સુર ગાયો વતી આ પત્રમાં દર્શાવવામાં આવ્યો છે.

આ અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની માંગ સાથેના આ પત્રની નકલ દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી, ચેરિટી કમિશનર, સાંસદ વિગેરેને પણ મોકલવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application