ગુજરાતમાં નવી ક્રાંતિ: નવ લાખ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી

  • June 25, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાળી ક્રાંતિ અને વધુ ઉત્પાદનની લહાયમાં ખેતરમાં રાસાયણિક ખાતરના નામે હજારો લાખો મેટ્રિક ટન ઝેર ધરતીમાં ઠાલવ્યા પછી તેના નકારાત્મક પરિણામો આવવાનું શરૂ થતાની સાથે જ સરકાર ચોકી ઉઠી હતી. આરોગ્યમાં મામલે કેન્સર અને તે પ્રકારના ગંભીર રોગનું પ્રમાણ ચિંતાજનક હદે સતત વધતું જતું હતું અને આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે એકમાત્ર ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવા સિવાય કોઈ વિકલ્પ નથી એવો ખ્યાલ આવી જતા છેલ્લા કેટલાક સમયથી આ દિશામાં રીતસરની ઝુંબેશ ચાલી રહી છે. હરિયાળી ક્રાંતિના જનક તરીકે જે રીતે પંજાબ હરિયાણાને યાદ કરવામાં આવે છે તેવી રીતે પ્રાકૃતિક ખેતીના મામલે ગુજરાતને ભવિષ્યમાં લોકો યાદ કરશે તેટલી હદે સારા પરિણામો મળી રહ્યા છે. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આ વર્ષે ગુજરાતમાં નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપ્નાવી છે. પ્રાકૃતિક ખેતી અપ્નાવવાના કારણે રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,747 મેટ્રિક ટનનો ઘટાડો થયો છે અને તેના કારણે ખેડૂતોના રૂપિયા 1337.92 કરોડની બચત થઈ છે. આ બધી આંકડાકીય માહિતી એક બાજુ રાખી અને ભવિષ્યના તથા વર્તમાન ફાયદાની જો વાત કરીએ તો લાખો ટન ઝેર ધરતીમાં આ વર્ષે ઓછું ઠલવાયું છે.
ખેડૂતોને છાણીયા ખાતર અને સેન્દ્રીય ખાતર દ્વારા ખેતી તરફ પાછા વાળવા માટે સમગ્ર દેશમાં એક મોટું અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં અનેક સંસ્થાઓ અને તેમાં પણ ખાસ કરીને સહકારી તથા ખેડૂતોની સંસ્થાઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. જો આ બધામાં કોઈ એક વ્યક્તિને સૌથી વધુ ક્રેડિટ આપવાની થાય તો તે છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. ...
ગુજરાતના રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી જ આચાર્ય દેવવ્રત આ દિશામાં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે. ઓર્ગેનિક ફાર્મિંગને ઉત્તેજન આપવા માટે શું થઈ રહ્યું છે? શું કરવાની જરૂર છે ?આ બાબતના નવા સંશોધનો શું છે? તે તમામ બાબતોથી તે પૂરેપૂરા અપડેટ રહે છે અને તેમની આ વાત રાજ્યભરના જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓના માધ્યમથી સરકારમાં અસરકારક રીતે અમલી બનાવી શકે છે. બીજી બાજુ ખેડૂતોને પણ રીઝલ્ટ મળી રહ્યા છે. સત્તાને સેવાનું માધ્યમ બનાવીને રાજ્યપાલ દ્વારા થઈ રહેલી આ કામગીરી ઘણી ઉપયોગી સાબિત થઈ છે. ગુજરાતમાં અલગ અલગ યોજાતા કાર્યક્રમમાં રાજ્યપાલ જે કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે ત્યાં ઓર્ગેનિક ખેતીને લગતો વિષય તેની સાથે જોડી જ દેવામાં આવતો હોય છે અને જ્યાં આવા કાર્યક્રમમાં તે શક્ય ન હોય ત્યાં રાજ્યપાલ ઓર્ગેનિક ફાર્મિંગ બાબતે પોતાની ’મન કી બાત’ અચૂક સંભળાવતા હોય છે. થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે રાજ્યભરના તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક યોજવામાં આવી હતી અને તેમાં રાજ્યપાલે આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 100 ટકા ઓર્ગેનિક ફાર્મિંગનો ટાર્ગેટ આપી મિશન મોડમાં આ કામગીરી કરવા માટે અધિકારીઓને જણાવ્યું હતું. તેની આ વાતમાં મુખ્યમંત્રી એ પણ સુર પુરાવ્યો હતો મુખ્યમંત્રી અને રાજ્યપાલે ધરતીને ઝેર મુક્ત કરવા માટે અને ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા આ પ્રકારના ફેરફાર પર ભાર મૂક્યો હતો. અત્યારે ગુજરાતમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પરંતુ 2025 ના ગુજરાત સ્થાપ્ના દિવસ સુધીમાં 20 લાખ ખેડૂતો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરે તેવો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.
માત્ર ખેડૂતોની આવક વધે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે તેવો એકમાત્ર હેતુ આ ઝુંબેશમાં નથી. પરંતુ સાથોસાથ ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે અને લોકોને જે નવા નવા રોગ થઈ રહ્યા છે તેમાંથી મુક્તિ મળે તેવો પણ મહત્વનો આશય આ ઝુંબેશમાં સમાયેલો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ થઈ રહેલા ઉપયોગથી માનવ સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જો દેશની ધરતીની ફળદ્રુપતા બચાવવી હશે, ધરતી બચાવી હશે, હવા- પાણી અને વાતાવરણ બચાવવા હશે, લોકોને ગંભીર અસાધ્ય બીમારીઓથી દૂર રાખવા હશે તો તેના માટેનો એક અને શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી.
રાજ્યપાલ પોતે આ કામમાં દિવસ રાત જોયા વગર જોડાઈ ગયા છે અને તેમના પદનો જન હિતના આવા કાર્યમાં સદુપયોગ કરી રહ્યા છે. અધિકારીઓને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.
ત્રણેક વર્ષ અગાઉ રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાંથી કયા માર્ગે જવું ?તે દિશા ગુજરાતમાં સ્પષ્ટ ન હતી. પરંતુ આજે પ્રાકૃતિક કૃષિનો રાજમાર્ગ નક્કી કરી લેવાયો છે. નેચરલ ફાર્મિંગના નેશનલ હાઇવે પર ગુજરાતની ગાડી પૂરપાટ દોડી રહી છે અને આગામી દિવસોમાં તેના વધુ સારા પરિણામ માટે અપેક્ષા રાખવામાં આવે છે.
રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કેળવે, તેના ફાયદાથી માહિતગાર થઈને તેનો લાભ ઉઠાવે અને ઝીરો બજેટ ખેતી કરતા થાય, તે માટે જિલ્લે-જિલ્લે અને તાલુકે-તાલુકે સઘન તાલીમ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા ત્રણ વર્ષમાં 1.48 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ- માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
રાજ્યમાં આત્મા (એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે. નોંધનીય છે કે ’આત્મા’એ જિલ્લા કક્ષાએ કાર્યરત રજિસ્ટર્ડ સોસાયટી છે, જે જિલ્લાના ટકાઉ કૃષિવિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓની સાથે રહીને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે.
આત્મા-રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર હસમુખભાઈ વાદીના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ મળીને 1,48,105 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વર્ષ 2021-22માં 12,395 ખેડૂતો, વર્ષ 2022-23માં 34,362 ખેડૂતો જ્યારે વર્ષ 2023-24માં 1,01,348 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ છે.
તાલુકા પ્રમાણે વિગત જોઈએ તો, પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ લેવામાં ગોંડલ તાલુકાના ખેડૂતો સૌથી આગળ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગોંડલના 29,463 ખેડૂતો ઝીરો બજેટવાળી અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદિત કરતી, ધરતીને ઝેરી રસાયણમુક્ત કરતી પ્રાકૃતિક ખેતી અંગે તાલીમબદ્ધ થયા છે. એ પછી બીજા ક્રમે રાજકોટ તાલુકાના 18,681 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી છે. ત્રીજા ક્રમે ઉપલેટા તાલુકામાં 14,227 ખેડૂતોને તાલીમ આપવામાં આવેલી છે.
જ્યારે જેતપુર તાલુકાના 13510 ખેડૂતો, જસદણ તાલુકાના 13276 ખેડૂતો, જામકંડોરણા તાલુકાના 10786 ખેડૂતો, પડધરી તાલુકાના 10503 ખેડૂતો, કોટડા સાંગાણી તાલુકાના 9715 ખેડૂતો, લોધીકા તાલુકાના 9559 ખેડૂતો, વિંછીયા તાલુકાના 9343 ખેડૂતો, ધોરાજી તાલુકાના 9042 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમબદ્ધ થયા છે.
આત્મા-રાજકોટ કચેરી દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જ 10મી જૂને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયા ખાતે ગ્રામ સેવકો તથા વિસ્તરણ અધિકારીઓ માટે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમના આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં પણ વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપીને, તેઓને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવવાના સઘન પ્રયાસો ચાલુ છે.
ગુજરાત રાજ્યને આગામી પાંચ વર્ષમાં 100 ટકા પ્રાકૃતિક કૃષિયુકત રાજ્ય બનાવવા રાજ્ય સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ખેડૂતો તેમજ વિસ્તરણ કાર્યકરોને તાલીમ અપાઈ રહી છે. જે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ-રાજકોટ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડિયા ખાતે ગતરોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ. ડી. વાદી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડિયાના વડા ડો. જી. વી. મારવીયા, સુકી ખેતી સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. એસ. હીરપરા, કૃષિ વૈજ્ઞાનિકો ડો. જે. એચ. ચૌધરી, ડો. જે. એન. ઠાકર, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર મેહુલ નસિત તેમજ રાજકોટ જિલ્લાના 40 જેટલા ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં એચ. ડી. વાદીએ તાલીમની અગત્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે ડો. ડી. એસ. હીરપરા દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. જે. એચ. ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ બીજામૃત અને જીવામૃત બનાવવાની પદ્ધતિનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ડો. જે. એન. ઠાકર દ્વારા પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાતના નિયંત્રણ અંગે માહિતી આપવામાં આવી હતી. જ્યારે ડો. જી. વી.મારવીયા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં પોષણ વ્યવસ્થાપ્ન વિશે માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતે પ્રશ્નોતરીના માધ્યમથી વિસ્તૃત ચચર્િ પણ કરવામાં આવી હતી અને શંકાનું સમાધાન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application