રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઈટન કંપનીના શો-રૂમમાંથી 70 લાખની ચોરીની ઘટનામાં ચદર ગેંગનો હાથ હતો અને તેના એક સભ્યની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.પકડાયેલો રાકેશ પંડીત કચ્છની એક કંપનીમા નોકરી કરતો હતો તેણે બિહારથી ચોરીમા પારંગત તેના નાના ગોવિંદ અને તેના સાગરિતોને રાજકોટ બોલાવ્યા હતા કચ્છ આવેલા ગોવિંદ અને રાકેશે રાજકોટ આવી અન્ય સભ્યો સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
કચ્છમાં રહેતા યુવકે ખેલ પાડ્યો
પકડાયેલ આરોપી રાકેશની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તે પોતે તેના ભાઇ રૂપેશ સાથે કચ્છની એક કંપનીમા નોકરી કરતો હતો. આરોપી રાકેશના નાના ગોવિંદ કચ્છ આવ્યા હતા જયાથી બંને રાજકોટ આવ્યા અને બે દિવસ સુધી રેકી કર્યા બાદ ટાઇટન કંપનીના શોરૂમમા ચોરી કરવા માટે બિહારથી ગોવિંદનાં અન્ય 3 મિત્રો શ્રીરામ, જીતેન્દ્ર અને બીદેશ્ર્વરીને રાજકોટ બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ટોળકીને પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા તેમજ ફેરીયાનો વેશ પલ્ટો કરી બિહારનાં મોતીહારી જિલ્લાનાં ધોરાસહન અને આસપાસનાં ગામોમા વોચ ગોઠવી રાકેશને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી રાકેશ પંડિત વિરુધ્ધ અગાઉ પણ બિહારના બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં અલગ અલગ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કામગીરીમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ મેહુલ ગોંડલિયા, એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા, વી.ડી.ડોડીયા સહીત પોલીસ સ્ટાફ જોડાયો હતો.
બિહારની ચાદર ગેંગની મોડસ ઓપરેન્ડી
બિહારની ચાદર ગેંગ ચોરી કરતાં પહેલાં દુકાન કે શો રૂમને ચાદરથી ઢાંકી દે છે. ત્યાર પછી શટરને તોડી ચોરી કરે છે એટલા માટે આ ગેંગને શટર તોડ ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘોડાસન શહેર ભારત અને નેપાળની બોર્ડર પર આવેલું છે. ચોરી કર્યા બાદ પોલીસ પકડવા આવે ત્યારે આ ગેંગના સભ્યો નેપાળ ભાગી જાય છે. આ ગેંગ મુખ્યત્વે બ્રાન્ડેડ ઘડિયાળ, મોબાઈલ ફોન, કેમેરા અને જવેલરીના શો રૂમને નિશાન બનાવે છે. એટલું જ નહીં આ ગેંગ વહેલી સવારે 3 થી 5 વાગ્યા દરમિયાન જ ચોરી કરવાની ટેવ ધરાવે છે. ગેંગના સૂત્રધારને શેઠજી કે માલિક કહેવામાં આવે છે જે ગેંગના દરેક સભ્યોનો ખર્ચો ઉઠાવે છે.
ગેંગમાં બેથી ત્રણ સભ્યો પાતળા હોય છે, જાણો શું કામ
ચોરી કરવા માટે આ ગેંગના ચારથી વધુ સભ્યો જાય છે. જેમાં મુખ્યત્વે બે-ત્રણ સભ્યો પહેલવાન જેવા હોય છે. જેમની પાસેથી શટર તોડાવવાનું કે ખેંચાવવાનું કામ કરાવાય છે. બાકીના બેથી ત્રણ સભ્યો પાતળા બાંધાના હોય છે. જેમનો થોડુ શટર ઉંચકાવી તે જગ્યામાંથી અંદર જઈ ચોરી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે આવા સભ્યોને પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે જે શો રૂમ કે દુકાનની અંદર જઈ બોકસ તોડીને મોબાઈલ અને ઘડિયાળ બેગમાં ભરી લે છે. બોકસ તોડવાનું કારણ એ છે વધુમાં વધુ ઘડિયાળ કે મોબાઈલ વગેરે થેલામાં ભરી શકાય.
કોલ ના આવે તો પરિવારજનો અજુગતું થયાનું સમજી જાય
ચાદર ગેંગના સભ્યો ચોરી કરવા નીકળે ત્યારે સવારથી લઈ સાંજ સુધી પોતાના પરિવાર સાથે મોબાઈલ ફોન મારફત સંપર્કમાં રહે છે. તે વખતે માત્ર બધુ બરાબર છે એટલું જ કહે છે. જો તેઓ કોલ ન કરે તો પરિવારના સભ્યો સમજી જાય છે કઈક અજુગતું થયું છે. અમુક સભ્યો ચોરી કરવા દુકાન કે શો રૂમમાં ઘુસે ત્યારે પાછળથી બાકીના સભ્યો બહાર પોલીસ આવતી નથી તેની વોચ રાખે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech