પ્રેયસીને પૈસાની જરૂર પડતા પાડોશી ભત્રીજાએ જ કાકીની હત્યા કરી હતી

  • February 19, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ નજીક શિવસાગર સોસાયટીમાં રહેતી મહિલાની તેના જ ઘરમાં થયેલી હત્યા અને લૂંટના ભેદમાં આરોપી અન્ય કોઈ નહીં પાડોશમાં રહેતો કૌટુંબિક ભત્રીજો જ નીકળ્યો છે. ક્રાઈમ બ્રાંચે મર્ડર, લૂંટના ઉકેલેલા ભેદમાં આરોપીને વડોદરાથી દબોચી લીધો છે. પ્રેયસીને પૈસાની જરૂર પડતા પાડોશી કાકીની હત્યા કરી ઘરેણાની લૂંટ ચલાવી હતી. પોલીસે લૂંટમાં ગયેલી માલમત્તા કબજે કરવા કવાયત કરી છે.

કેશોદના વતની અલ્પેશ વ‚ તેની પત્ની હેમાલી ઉ.વ.૨૭ તથા બે વર્ષની પુત્રી સાથે સાત માસ પહેલા રાજકોટ રહેવા આવ્યો હતો અને શિવસાગર સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. અલ્પેશ મિસ્ત્રી કામ કરે છે. તા.૧૪ને ગત બુધવારે અલ્પેશ કામ પર ગયો હતો પત્ની પુત્રી એકલા હતા ત્યારે પત્ની હેમાલીની ગળાના ભાગે કાતર ઝીંકી ઘરમાંથી સોનાના ઘરેણા સહિતની લૂંટ ચલાવી હત્યા કરાઈ હતી. ગરનો દરવાજો બહારથી બંધ હતો. અલ્પેશે ઘરે આવી પત્નીની લોહીથી લથબથ લાશ જોઈ હતી.
બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો દોડી ગયો હતો. અલ્પેશની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે હત્યા તથા લૂંટનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ડિટેકશન માટે દોડધામ આરંભી હતી. એ દરમિયાન ફરિયાદી અલ્પેશની પણ ક્રાઈમ બ્રાંચે શંકાસ્પદ મુદાઓ આધારે તપાસ ચાલુ રાખી હતી. એ દરમિયાન પોલીસને કડી મળી હતી કે આરોપી અલ્પેશ નહીં પરંતુ તેના પાડોશમાં રહેતો પ્રેમ ભરતભાઈ જેઠવા નામના ૨૦ વર્ષિય શખસ છે.

ક્રાઈમ બ્રાંચે તપાસના ઘોડા એ તરફ દોડાવ્યા હતા. દરમિયાનમાં પ્રેમને વડોદરાથી તેની પ્રેમિકા સાથે ક્રાઈમ બ્રાંચે ઉઠાવી લીધો હતો. રાજકોટ લઈ આવી બન્નેની પૂછતાછ હાથ ધરાઈ હતી. ક્રાઈમ ડીસીપી ડો.પી.એન.ગોહિલ, એસીપી બી.બરી.બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને હત્યા કરવા માટેનું કારણ શોધવા પોલીસની ભાષામાં કળ વાપરતા આરોપીએ સમગ્ર કેફિયત આપી હતી.

આરોપી પ્રેમ જેઠવાની પ્રેમિકા રાજકોટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહીને કામ કરે છે. પ્રેમિકાને નાણાની જરૂરિયાત ઉભી થઈ હતી. સાથે આરોપીને પણ વધુ નાણા હાથ લાગે તો સુરત સીફટ થઈ જવાની ઈચ્છા હતી. આવા બદઈરાદા સાથે તેણે પાડોમાં જ રહેતા કૌટુંબિક કાકાના ઘરમાં ક્રુર ઈરાદો પાર પાડયો હતો. ગત બુધવારે કાકી તથા તેમની બે વર્ષની પુત્રી બન્ને એકલા હતા ત્યારે આરોપી પહોંચ્યો હતો. ઘરેણા જોઈ જતાં દાનત બગડી હતી. કાકી સાથે ઝપાઝપી થતાં કાતરનો ઘા ઝીંકી દીધો અને હત્યા નિપજાવી લૂંટ ચલાવી નાસી છૂટયો હતો. બે વર્ષની બાળકીની નજર સાતે જ મહિલાની હત્યા કરી આરોપી દરવાજો બહારથી લોક કરી પ્રેમિકા સાથે નાસી છૂટયો હતો. લૂંટેલા ઘરેણા સગેવગે કરી રોકડ કરીને વડોદરા તરફ પહોંચ્યો હતો. અને ક્રાઈમ બ્રાંચને હાથ લાગતા ભેદ ઉકેલાયો હતો. શંકાના પરીઘમાં રહેલા પતિ અલ્પેશે પણ હાશકારો અનુભવ્યો હતો.


ક્રાઈમ બ્રાંચની કૂનેહ, સીસીટીવી, ટેકનિકલ સોર્સ સાથે ભેદ ઉકેલાયો

હત્યા-લૂંટના આ બનાવમાં ક્રાઈમ બ્રાંચે શંકાસ્પદ મુદ્દા સાથે મૃતક મહિલાના પતિ અલ્પેશની અલગ અલગ મુદા સાથે પૂછતાછ કરી હતી. એક તબક્કે તો ફરિયાદી અલ્પેશ જ આરોપી હશે તેવું વાતાવરણ બની ગયું હતું. અલ્પેશે કદાચ પોલીસની કડકાઈ કે કોઈ ડરથી હત્યાનો આરોપ કબૂલી લીધો હશે પરંતુ આવા કોઈ ઠોંસ પુરાવા ક્રાઈમ બ્રાંચને હાથ લાગતા ન હતા. ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા અંગત રસરૂચી સાથે સચોટ તપાસ થાય તેવી સૂચના અપાઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે બીજી તરફ કૂનેહ પણ દાખવી હતી. સીસીટીવી, ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો આધાર લેવાયો હતો. ્રઅલ્પેશને પણ ઉચ્ચ અધિકારીઓએ વિશ્ર્વાસમાં લીધો હતો. અંતે પોલીસને સાચી દિશા પ્રાપ્ત થઈ હતી અને ખરા આરોપી સુધી પહોંચવામાં ક્રાઈમ બ્રાંચના નવનિયુકત પીઆઈ એમ.આર.ગોંડલિયા તથા તેમની ટીમને સફળતા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application