BREAKING NEWS

ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટની બેદરકારી જીવલેણ: રોજ સરેરાશ 11 લોકો ગુમાવે છે જીવ

  • July 13, 2026 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા અને સીટબેલ્ટ ન બાંધવા જેવી સામાન્ય જણાતી બેદરકારી વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. રોડ સેફ્ટી ઓથોરિટીના વર્ષ ૨૦૨૪ના સત્તાવાર આંકડાઓ પરથી એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રાજ્યમાં ટ્રાફિકના આ બે પ્રાથમિક નિયમોના ઉલ્લંઘનને કારણે દરરોજ સરેરાશ ૧૧ લોકો અકસ્માતમાં પોતાનો કિંમતી જીવ ગુમાવી રહ્યા છે.


વર્ષ ૨૦૨૪ના આંકડાકીય તારણોના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં હેલ્મેટ ન પહેરવા અને સીટબેલ્ટ ન બાંધવાને કારણે કુલ ૩,૮૮૪ લોકોના અકસ્માતે મોત થયા છે. આ આંકડાઓનું વિશ્લેષણ કરતાં જણાય છે કે, હેલ્મેટ ન પહેરવાને કારણે રોજ સરેરાશ ૮.૨૭ લોકો અને સીટબેલ્ટ ન બાંધવાને કારણે રોજ સરેરાશ ૨.૬૩ લોકોના મોત થાય છે. હેલ્મેટ ન પહેરવાને લીધે કુલ ૩,૦૨૧ અને સીટબેલ્ટ ન બાંધવાને કારણે ૮૬૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા.


આંકડા દર્શાવે છે કે, ટુ-વ્હીલર ચાલકોમાં ૨,૨૬૫ અને તેમની પાછળ બેઠેલી વ્યક્તિઓમાં ૭૫૬ મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા છે. તેવી જ રીતે, કાર ચાલકોમાં ૪૨૪ અને સાથે બેઠેલા પેસેન્જરોમાં ૪૩૯ લોકોના મોત સીટબેલ્ટ ન બાંધવાને કારણે નિપજ્યા છે. આ અકસ્માતોમાં હજારોની સંખ્યામાં લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પણ થઈ છે.


રાજ્ય પોલીસ દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવતી કડક ઝુંબેશ પાછળનો અસલી આશય માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોની જિંદગી બચાવવાનો છે, તેમ ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે. જો હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમોનો કડક અમલ કરવામાં આવે તો રાજ્યમાં અકસ્માતોમાં થતા મોતના આંકડામાં ૫૦ ટકા જેટલો મોટો ઘટાડો કરી શકાય તેમ છે.


આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, કારમાં આગળ બેસનાર ડ્રાઈવર અને પેસેન્જર બંને માટે સીટબેલ્ટ ફરજિયાત બાંધવો સુરક્ષાની દ્રષ્ટિએ અનિવાર્ય છે. હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ સ્વયંની સુરક્ષા માટેની સાવચેતી છે. નાગરિકોની નાનકડી બેદરકારી તેમના પરિવાર માટે મોટી દુર્ઘટના નોતરી શકે છે, તેથી વાહન ચલાવતી વખતે નિયમોનું ચુસ્ત પાલન કરવું દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application