ત્રિપુરામાં કુદરતનો કહેર : ભૂસ્ખલનથી 1 પરિવારના 3 સભ્યો સહિત 7 લોકોના મોત

  • August 21, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ત્રિપુરામાં વરસાદ લોકો માટે આફત બની ગયો છે. સોમવારથી રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગુમ થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે દક્ષિણ ત્રિપુરા જિલ્લાના દેબીપુરમાં મોટા ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં એક મહિલા અને એક બાળક સહિત એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.



મંગળવારે સવારે ગ્રામજનોએ એક જ પરિવારના ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ ત્રિશંકર ચકમા (ઉ.વ.50), તેમની પત્ની રજની ચકમા (ઉ.વ.41) અને તેમની પુત્રી મીતા ચકમા (ઉ.વ.12) તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ખોવાઈ જિલ્લાના તેલિયામુરામાં મંગળવારે અન્ય 14 વર્ષીય છોકરાનું મૃત્યુ થયું હતું, જ્યારે કાર્બુક વિસ્તારમાં ભૂસ્ખલનમાં મૌઈ રેઆંગ (ઉ.વ.52)નું મૃત્યુ થયું હતું અને અન્ય એક ગ્રામીણ ગુમ થઈ ગયો હતો. અધિકારીએ કહ્યું કે, સોમવારથી સતત વરસાદને કારણે ત્રિપુરામાં ઘણી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે. દક્ષિણ ત્રિપુરા અને ગોમતી જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.



છ હજાર લોકોએ રાહત શિબિરોમાં લીધો હતો આશરો



ચાર નદીઓ હાવડા, ધલાઈ, મુહુરી અને ખોવાઈ મંગળવારે સાંજે જોખમના સ્તરથી ઉપર વહી રહી હતી. પાંડેએ જણાવ્યું હતું કે, સીએમ માણિક સાહા દિલ્હીથી નિયમિતપણે પૂરની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને તેઓ રાષ્ટ્રીય રાજધાનીથી પરત ફર્યા પછી પૂરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રે રાજ્યના ચાર જિલ્લા, પશ્ચિમ ત્રિપુરા, ગોમતી, ​​દક્ષિણ ત્રિપુરા અને ખોવાઈમાં 5,607 અસરગ્રસ્ત પરિવારો સાથે 183 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.




IMDએ આ વિસ્તારો માટે રેડ એલર્ટ કર્યું જાહેર



અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂસ્ખલન ઉપરાંત, વૃક્ષો પડવા અને ધરાશાયી થવાને કારણે ઘણી જગ્યાએ માર્ગ અવરોધ પણ જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, ચોમાસાને કારણે, ત્રિપુરાના તમામ જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય IMDએ દક્ષિણ ત્રિપુરા જિલ્લા માટે 'રેડ એલર્ટ' અને બાકીના રાજ્ય માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application