જામનગરની લોકસભા બેઠકના પ્રભારી-સંયોજકના નામ જાહેર

  • January 19, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને અમરેલી બેઠકના પ્રભારી બનાવાયા: ગુજરાત ભાજપ આવી ગયું છે લોકસભાની ચૂંટણીના મોડમાં : વેલજીભાઇ મસાણી અને વિનોદભાઇ ભંડેરીને જવાબદારી સોંપવામાં આવી: ૨૪ બેઠકના પ્રભારી તથા સંયોજકના નામની જાહેરાત કરતું પ્રદેશ ભાજપ

દેશના સૌથી મોટા સિંહાસન માટેના મહાસંગ્રામ અને બીગ ફાઇટ ગણાતી લોકસભાની ચૂંટણી માર્ચ-એપ્રિલમાં યોજાવાની સંભાવના છે, આગામી દિવસોમાં આ બાબતોના સ્પષ્ટ સંકેત મળી જશે ત્યારે સતાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ હવે પૂર્ણ કરવામાં આવી રહી છે, ગઇ સાંજે પ્રદેશ ભાજપ તરફથી ગુજરાતની ૨૪ બેઠકના પ્રભારી તથા સંયોજકના નામની જાહેરાત કરવામાં આવી છે, જામનગરની લોકસભા બેઠક માટે વેલજીભાઇ મસાણી અને સંયોજક તરીકે ડો.વિનોદભાઇ ભંડેરીના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના મોટા ગજાના રાજકારણી પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને અમરેલી બેઠકના પ્રભારી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની હેટ્રીક માટે ગુજરાતના પગલે જામનગરમાં છેલ્લા એક મહીનાથી ભાજપ દ્વારા કાર્યક્રમોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, વોલ પેઇન્ટીંગ મારફત એક પ્રકારે ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે, શહેર-જિલ્લાનું સંગઠન પુરેપુરા ચૂંટણી મોડમાં આવી ગયા છે અને તેના અનુસંધાને કાર્યક્રમો આપી રહ્યા છે.
ગઇ સાંજે કમલમ તરફથી રાજયની ૨૪ બેઠકના પ્રભારી તથા સંયોજકના નામ જાહેર કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી માટે નગારે ઘા દઇ દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો આપવાામાં આવે તેવું માનવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, ભાજપ દ્વારા અગાઉ લોકસભાની ત્રણ-ત્રણ બેઠકના એક કલસ્ટરના વડાના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પણ જામનગરના એક મોટા રાજકારણી એવા આર.સી.ફળદુને સમાવવામાં આવ્યા છે અને એક કલસ્ટરની જવાબદારી એમને સોંપવામાં આવી છે.
જામનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે જેનું નામ જાહેર કરાયું છે એ વેલજીભાઇ મસાણી ભાજપના બક્ષીપંચના રાષ્ટ્રિય ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, માંગરોળ ખારવા સમાજના ટ્રસ્ટી તરીકે રહી ચૂકયા છે, નેશનલ ફીશ વર્કસ ફોરમમાં સેવા આપી ચૂકયા છે, માંગરોળ ખાતે જ રહેતા વેલજીભાઇ સોરઠ ઉપરાંત સૌરાષ્ટ્રભરના ખાસ કરીને માછીમારોના પ્રશ્ર્નોથી અવગત છે, તેઓ બક્ષીપંચમાં સમાવિષ્ટ હોવાથી ચોકકસ ગણતરી સાથે એમને જામનગરની બેઠકનું પ્રભારી પદ આપવામાં આવ્યું છે.
લોકસભા બેઠકના સંયોજક તરીકે જામનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડો.વિનોદભાઇ ડાયાભાઇ ભંડેરીને જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ ૧૯૯૦થી છેલ્લા ત્રણ દાયકાથી ભાજપમાં સક્રિય છે, જુદા-જુદા પદો પર સેવા આપી ચૂકયા છે અને ૨૦૨૧થી પ્રદેશ ભાજપની કારોબારીમાં સભ્ય પદ ધરાવે છે, ગ્રામ પંચાયતથી લઇને જિલ્લા પંચાયત અને યાર્ડથી લઇને વિધાનસભા-લોકસભાની બેઠકો પર તેઓ કામગીરી કરી ચૂકયા છે, આમ બહોળો અનુભવ ધરાવે છે.
ભાજપ દ્વારા જે અન્ય બેઠકના પ્રભારી જાહેર કરવામાં આવ્યા તેમાં ૭૮-જામનગર ઉત્તરની બેઠકના પૂર્વ ધારાસભ્ય અને માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એમને અમરેલી લોકસભા બેઠકના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે રાજકીય કારર્કીદી શરુ કર્યા બાદ એમણે રાજકીય પક્ષોમાં થોડા વર્ષોમાં જ સારી એવી આભા પ્રસ્થાપીત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે બીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ રાજયના મંત્રીમંડળમાં પણ જવાબદારી નિભાવી ચૂકયા છે, એમને પણ ગ્રામ્ય લેવલથી લઇને વિધાનસભા-લોકસભા બેઠકની ચૂંટણીનો બહોળો અનુભવ હોવાથી ભાજપે અમરેલી બેઠક પર હકુભા જાડેજાને પ્રભારી બનાવીને આ બેઠક અંકે કરવા માટેની જવાબદારી એક રીતે એમને સોંપી હોવાનું માનવામાં આવે છે, આમ, ભાજપ તરફથી પ્રભારીઓના નામની જાહેરાત થઇ ગઇ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી માટેનો પોતાનો મોરચો તૈયાર કરી લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application