નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથેના એક ભયાનક જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ કટ્ટરપંથી આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુખ્ય આરોપી તરીકે હૈદરાબાદના ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના તેના બે સાગરીતો આઝાદ અને મોહમ્મદ સુહેલના નામ સામેલ છે.
એરંડાના બીજમાંથી સાઇનાઇડથી પણ ખતરનાક ઝેર બનાવવાનો હતો પ્લાન
તપાસમાં ખુલાસો થયો છે કે, આ આતંકવાદીઓ એરંડાના બીજમાંથી એક અત્યંત શક્તિશાળી જૈવિક ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઝેર સાઇનાઇડ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે અને તે કેમિકલ વેપન્સ કન્વેન્શનના શેડ્યૂલ-Iમાં સૂચિબદ્ધ છે. આ કેમિકલનો ઉપયોગ કરીને મોટા પાયે આતંક ફેલાવવાનો અને સામૂહિક જનહાનિ કરવાનો તેમનો બદઈરાદો હતો. વિદેશમાં બેઠેલા ISIS હેન્ડલર્સના સીધા સંપર્કમાં રહીને આ આરોપીઓ કટ્ટરપંથી યુવાનોની ભરતી કરવાનું અને ગેરકાયદે હથિયારો તથા જૈવિક ઝેર દ્વારા હુમલા કરવાનું આયોજન કરી રહ્યા હતા.
MBBS ડોક્ટરની ટોલ પ્લાઝા પરથી થઈ હતી ધરપકડ
આ કેસની શરૂઆત ગુજરાત એટીએસ (ATS) દ્વારા કરવામાં આવી હતી. નવેમ્બર 2025માં ચીનથી MBBS નો અભ્યાસ કરી પરત ફરેલા ડો. મોહિયુદ્દીનની એક ટોલ પ્લાઝા પરથી અટકાયત કરવામાં આવી હતી. તેની કારની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર હથિયારો, 4 લિટર એરંડાનું તેલ ધરાવતી બોટલો અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. ATSની તપાસના આધારે તે જ દિવસે અન્ય બે આરોપીઓ, આઝાદ અને સુહેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
હથિયારો અને નાણાંની હેરાફેરીનું નેટવર્ક
NIAની ઊંડી તપાસમાં બહાર આવ્યું છે કે, આઝાદ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢમાં એક ગુપ્ત 'ડેડ-ડ્રોપ' સાઇટ પરથી આતંકવાદી પ્રવૃત્તિ માટેના નાણાં અને ગેરકાયદેસર હથિયારો મેળવ્યા હતા. આ હથિયારો અને સામાન તેઓએ મોહિયુદ્દીન સુધી પહોંચાડવા માટે ગુજરાતના છત્રાલ ખાતે નિર્ધારિત સ્થળે પહોંચાડ્યા હતા. હાલમાં NIA એ આ તમામ આરોપીઓ વિરુદ્ધ UAPA એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.