નીટ-યુજીનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી હોય જાણે તંત્રની પણ પરીક્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર લાવવા અને લઈ જવા માટેની જવાબદારી પ્રથમવાર સીઆઇએસએફને સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ મુશ્કેલી વગર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાશે.
અમદાવાદના 23 સેન્ટર પર 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેથી પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે. પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો બહારની ગતિવિધિ પર ડ્રોનથી નજર રખાશે. અમદાવાદ પોલીસ દ્વારા પરીક્ષાને લઈ 6 DCP અને 15 પોલીસ સ્ટેશનના સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે.
વડોદરામાં 17 સેન્ટર પર 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વડોદરામાં 17 કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. મામ સેન્ટરો હાઈ સિક્યુરીટી ઝોનમાં મુકવામાં આવ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટમાં 12 કેન્દ્રો પર 5000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં 12 પરીક્ષા કેન્દ્રો પરથી 5330 વિદ્યાર્થીઓ NEET-UG રી-એકઝામ આપવાના છે. 3 મે ના લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થતા હવે ફરી વખત આ પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિજિટલ લોકમાં એરફોર્સના જવાનો મારફત હવાઈ માર્ગે પેપર લાવવામાં આવશે. આ સાથે જ CISFના જવાનો અને સ્થાનિક પોલીસની મદદથી પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રો મોકલવામાં આવનાર છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ડીપી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજલન્સ ટીમ તૈનાત રહેશે.
સુરતના 22 કેન્દ્રો પર 10,301 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સુરત જિલ્લામાં યોજાનારી આ પરીક્ષામાં કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષાના આયોજન માટે શહેર અને જિલ્લામાં કુલ 22 પરીક્ષા કેન્દ્રો તથા 22 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષાનું આયોજન પારદર્શક, નિષ્પક્ષ અને સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.