દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એન.ડી.આર.એફ.ની એક, એસ.ડી.આર.એફ.ની બે ટૂકડી તહેનાત

  • June 13, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની રાહબરીમાં યુદ્ધના ધોરણે આગોતરી બચાવ-રાહત કામગીરી: કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા આવતીકાલે દ્વારકા પહોંચશે

રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાઈ રહેલા સંભવિત વાવાઝોડા બિપરજોયના ખતરા સામે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની રાહબરી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અશોક શર્માના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જિલ્લામાં હાલ એન.ડી.આર.એફ.ની એક તથા એસ.ડી.આર.એફ.ની બે ટૂકડી તહેનાત કરી દેવામાં આવી છે.
આ માહિતી આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી ભૂપેશ જોટાણીયાએ જણાવ્યું હતું કે, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ગત રાતે જ દ્વારકા આવી ગયા હતા અને તેઓએ મોડીરાત સુધી જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ જિલ્લામાં ઘટતી સાધનસામગ્રીઓ પણ સત્વરે ઉપલબ્ધ કરવવા સંબંધિત તંત્રને સૂચના આપી હતી. કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા આવતીકાલે દ્વારકા પધારી રહ્યા છે. જ્યારે પ્રભારી સચિવશ્રી પ્રવીણ સોલંકી પણ દ્વારકામાં ઉપસ્થિત છે.    
તેમણે કહ્યું હતું કે, મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારકાના વિવિધ સંભવિત અસરગ્રસ્તો વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને પરિસ્થિતિ પર ચાંપતી નજર નાંખી રહ્યા છે. આજ બપોર સુધીમાં ૧૮૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાની વર્તમાન સ્થિતિ અંગે મુખ્ય સચિવશ્રી રાજકુમાર દ્વારા આજે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.  
જિલ્લામાં રોડ પર પડેલા વૃક્ષો, વીજપોલ, હોર્ડિંગ્સ હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગની રાજ્ય અને પંચાયતની ટીમો ખડેપગે કામ કરી રહી છે. જ્યારે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા તેમજ સંલગ્ન વ્યવસ્થા માટે પીજીવીસીએલના બંને ડિવિઝન દ્વારા ટીમોની રચના કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  
આ ઉપરાંત કંટ્રોલરૂમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટી વગેરેનો સંપર્ક કરીને માહિતી મેળવીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ-ખાનગી કંપનીનો સહયોગ મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application