૨૦૨૫ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે એનડીએ આગળ વધી રહ્યું છે. આજે નક્કી થશે કે બિહારની સરકાર કોણ બનાવશે. એનડીએ અને મહાગઠબંધન બંને એકબીજાને ટક્કર આપી રહ્યા છે, જેમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે નજીકનો મુકાબલો છે. રાજ્યની ૨૪૩ બેઠકો માટે બે તબક્કામાં પડેલા મતોની ગણતરી ૪૬ મતદાન મથકો પર ચાલી રહી છે. નીતિશ કુમારે ઉત્સાહપૂર્વક જીતનો દાવો કર્યો છે, જ્યારે તેજસ્વી યાદવે પણ ૧૮ નવેમ્બરે શપથ લેવાનો દાવો કર્યો છે.
શરૂઆતના ટ્રેન્ડ અનુસાર, એનડીએ હાલમાં ૧૭૮ બેઠકો પર આગળ છે, જ્યારે વિપક્ષી મહાગઠબંધન ૬૧ બેઠકો પર ઘણું પાછળ છે. એનડીએમાં, બીજેપી ૭૭ બેઠકો સાથે આગળ છે, ત્યારબાદ જનતા દળ યુનાઇટેડ ૮૦ બેઠકો સાથે, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ૨૨ બેઠકો સાથે અને એચએએમએસ પાંચ બેઠકો સાથે આગળ છે.
એનડીએ ગઠબંધનમાં પણ રસ્સાકસી દેખાઈ રહી છે. ભાજપ કરતા જેડીયુ આગળ નીકળી જતાં ૮૦ બેઠક પર લીડ મેળવતું દેખાય છે. જ્યારે ભાજપના ખાતામાં ૭૭ બેઠક આવતી દેખાય છે. બીજી બાજુ આરજેડીને 39 બેઠક પર અને કોંગ્રેસને ૦૭ બેઠક પર લીડ મળતી દેખાય છે. જ્યારે વીઆઈપી ફક્ત 3 બેઠક પર લીડ મેળવતી દેખાય છે. હાલના આંકડા અનુસાર એનડીએ 160 તથા મહાગઠબંધન 79 બેઠક પર લીડમાં છે. આ વલણો આધારિત આંકડા છે.
વૈશાલીની રાઘોપુર બેઠક પર, મતગણતરીના પહેલા રાઉન્ડમાં આરજેડીના તેજસ્વી યાદવને 4,463 મત મળ્યા, જ્યારે ભાજપના સતીશ રાયને 3,570 મત મળ્યા. આરજેડીના ગઢમાં તેજસ્વી યાદવ હાલમાં 893 મતોથી આગળ છે.
7 રાજ્યોની 8 બેઠકો પર પેટાચૂંટણીના પણ આજે પરિણામ
આજે બિહાર વિધાનસભા ચૂંટણી સહિત કુલ 7 રાજ્યોની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે. આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશાના મતદારોએ વર્ષની શરૂઆતમાં ખાલી પડેલી આ 8 બેઠકો માટે નવા જનપ્રતિનિધિઓની પસંદગી કરી છે. જેમાં રાજસ્થાનની અંતા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, તેલંગાણાની જ્યુબિલી હિલ્સ, મિઝોરમની ડમ્પા, ઓડિશાની નુઆપાડા અને જમ્મુ-કાશ્મીરની બડગામ તથા નગરોટા બેઠકનો સમાવેશ થાય છે. રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક પર પાંચ રાઉન્ડની ગણતરી પૂરી થતાં, કોંગ્રેસના પ્રમોદ જૈન ભાયાએ ફરી એકવાર સરસાઈ મેળવી છે, જેનાથી ભાજપને ફટકો પડ્યો છે. નરેશ મીણા બીજા ક્રમે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોરપાલ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે.
લઘુમતી સમુદાયના સભ્યો જેડીયુ કાર્યાલય પર ઉમટ્યા: નીતીશ કુમાર મુખ્યમંત્રી બનશેના નારા લગાવ્યા
બિહાર ચૂંટણી પરિણામોમાં એનડીએનો દબદબો વધી રહ્યો છે. આ દરમિયાન, લઘુમતી સમુદાયના સભ્યો પણ જેડીયુ કાર્યાલયમાં ઉમટી રહ્યા છે, નીતીશ હતા, છે અને રહેશે જેવા નારા લગાવી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં એનડીએની લીડ વચ્ચે, જીતન રામ માંઝીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, નીતીશ કુમાર અમારા મુખ્યમંત્રી રહેશે. અમે 160 થી ઉપર રહીશું. નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે.
બિહાર કા મતલબ નીતિશ કુમાર, શહેરોમાં પોસ્ટર લાગ્યા
બિહારમાં એનડીએની ભવ્ય જીતના સંકેત વચ્ચે શહેરોમાં બિહાર કા મતલબ નીતિશ કુમાર એવા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. 243 બેઠકોમાંથી ભાજપ 84 અને જેડીયુ 76 બેઠક પર જીતતો દેખાય છે. જ્યારે એલજેપીના ખાતામાં 22 અને અનેડીએના અન્ય સહયોગી પક્ષોના ખાતામાં 7 બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 35, કોંગ્રેસના ખાતામાં 5 અને વીઆઈપીના ખાતામાં માત્ર 1 જ બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનના અન્ય પક્ષોના ખાતામાં 9 બેઠક આવતી દેખાય છે. જો કે આ ફાઈનલ રિઝલ્ટ નથી.
મહાગઠબંધનને 50 બેઠક જીતવાના ફાંફા
મહાગઠબંધન માટે શરમજનક હાર સાબિત કરતાં પરિણામ આવી રહ્યા છે. હાલમાં મહાગઠબંધનના સાથીઓ આરજેડી અને કોંગ્રસને સાથે મળીને 50 બેઠક જીતવાના પણ ફાંફા થઇ રહ્યા છે. આરજેડી હાલમાં 27 અને કોંગ્રેસ 4 બેઠક પર લીડમાં છે. જ્યારે ભાજપ 91 અને જેડીયુ 81 બેઠક પર લીડમાં છે. એલજેપીએ પણ દમ બતાવતા કોંગ્રેસ કરતા વધારે 21 બેઠક પર લીડ મેળવી લીધી છે.
મોદીના હનુમાન ચિરાગ પાસવાને બાજી પલટી: 2100 ટકાની સ્ટ્રાઇક રેટ સાથે શાનદાર રેકોર્ડ
એક સમયે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એનડીએથી અલગ થઈ ગઈ હતી અને 135 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં ફક્ત એક જ બેઠક જીતી હતી. જોકે આ વખતે ચિરાગ પાસવાનની પાર્ટી અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. વર્તમાન વલણો અનુસાર, એલજેપી 22 બેઠકો પર આગળ છે. 2025 માટે એનડીએમાં સીટ-શેરિંગ કરાર બાદ, બીજેપી અને જેડીયુએ 101-101 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે જેડીયુએ 29, એચએએમએ 6 અને આરએલએમએ 6 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
બિહારમાં જીતનો તાજ અપાવનાર ફેકટર્સ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. ચૂંટણી પહેલાં સત્તા વિરોધી લહેર અને મહાગઠબંધન દ્વારા કમજોર કડી તરીકે ચીતરાઈ ગયેલા નીતિશ કુમારે ચૂપચાપ અનોખી વ્યૂહનીતિ અપનાવીને બાજી પલટી નાખી છે. જેડીયુએ ભાજપ કરતાં વધુ બેઠકો જીતીને સાબિત કર્યું છે કે બિહારના મતદારોનો વિશ્વાસ હજી પણ સુશાસન બાબુપર અકબંધ છે.
2002થી નીતિશ કુમારે લોકોમાં સુશાસન બાબુ તરીકેની જે છબી બનાવી છે, તે પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી છે. બિહારમાં વીજળી વ્યવસ્થામાં સુધારો અને રાજ્યના દરેક ખૂણા સુધી પહોંચતા સારા રસ્તાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે વિકાસની ગતિ ચાલુ રહેશે.
ચૂંટણી પહેલાં હત્યાની ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા હતા, પરંતુ નીતિશ કુમારે ભાજપ સાથે મળીને જંગલ રાજની યાદ અપાવી અને વિપક્ષના આ મુદ્દાને તટસ્થ કરી દીધો. આ ઉપરાંત નીતિશ કુમારની છબીપલટુ રામ તરીકે બનાવવામાં આવી હોવા છતાં, તેમના કાર્યના આધારે જેડીયુ નેતાએ બધા સવાલોના જવાબ આપી દીધા છે.
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જીતનો માસ્ટરસ્ટ્રોક
એનડીએની આ જીતમાં સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલું ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર હતું. ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકારે 75 લાખ મહિલાઓના ખાતામાં સીધા 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો. લાભાર્થી મહિલાઓની સંખ્યા ઝડપથી 1 કરોડને વટાવી ગઈ. મહાગઠબંધને આ રકમને લોન કે ગ્રાન્ટ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મતદારો પર તેની કોઈ અસર થઈ નહીં.
મહિલા મતદારોએ દારૂબંધીને મંજૂરી આપી
નીતિશ કુમારની જીતમાં મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેનું મુખ્ય કારણ દારૂબંધી છે. 2015ની ચૂંટણીમાં મહિલા કાર્યક્રમમાં માંગ ઉઠતા નીતિશ કુમારે સત્તામાં પાછા ફરવા પર સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવાનું વચન આપ્યું હતું, જે તેમણે પૂરું કર્યું. દારૂબંધીના અમલ પર સવાલો ઊભા થયા હોવા છતાં, નીતિશ કુમાર અડગ રહ્યા. પ્રશાંત કિશોરે સરકાર બનવા પર દારૂબંધી ખતમ કરવાની વાત કરી હતી. જો કે, જનાદેશ સ્પષ્ટ દર્શાવે છે કે બિહારના લોકો, ખાસ કરીને મહિલાઓ, દારૂબંધી યથાવત્ રહે તેવું ઇચ્છે છે.
વ્યક્તિગત હુમલાઓનો સહાનુભૂતિનો લાભ
ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર પર થયેલા વ્યક્તિગત હુમલાઓ પણ તેમને સહાનુભૂતિ અપાવવામાં મદદરૂપ થયા. તેજસ્વી યાદવે નીતિશ કુમારને બીમાર મુખ્યમંત્રી અને ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ કહ્યા હતા. પ્રશાંત કિશોરે તો મુખ્યમંત્રીનું આરોગ્ય બુલેટિન બહાર પાડવાની માંગ કરી હતી. આ પ્રકારના વ્યક્તિગત હુમલાઓ બિહારના લોકોમાં પડઘો પાડે છે અને પરિણામોએ તે બધાને ખોટા સાબિત કર્યા છે.
તેજસ્વી પોતે પણ હાર તરફ: જીતે તો પણ વિપક્ષના નેતા બની નહીં શકે
બિહારના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોનારા તેજસ્વી યાદવ માટે હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. તાજેતરના વલણો દર્શાવે છે કે રાજદ ફક્ત 25 થી 26 બેઠકો પર આગળ છે. જોકે, બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછા 25 ધારાસભ્યોની જરૂર છે. બિહાર વિધાનસભામાં 243 સભ્યો છે. પરિણામે, તેજસ્વી યાદવના રાજદ ને વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 25 બેઠકો જીતવાની જરૂર પડશે. જોકે, રાજદ હાલમાં ફક્ત 26 બેઠકોની લીડ ધરાવે છે. આ રાજદના વિપક્ષના નેતાનું પદ મેળવવાની શક્યતાઓ માટે એક ખતરો છે. જો રાજદ આ આંકડાથી નીચે આવે છે, તો પાર્ટી આ પદ મેળવી શકશે નહીં.