BREAKING NEWS

અમદાવાદમાં 34 વર્ષ પછી મહિલાની હત્યાનું રહસ્ય ઉકેલાયું, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર, મૃતકનો આત્મા પરેશાન કરતો હોવાનો દાવો

  • April 30, 2026 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ પૂર્વે આચરવામાં આવેલા એક સનસનાટીભર્યા હત્યાકાંડનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. કુતુબનગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં વર્ષો પહેલા એક મહિલાની હત્યા કરી તેની લાશને દફનાવી દેવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે, જે મકાનમાં લાશ દફનાવવામાં આવી હતી ત્યાં છેલ્લા પાંચ-સાત વર્ષથી કોઈ રહેતું નહોતું. સ્થાનિક લોકોમાં એવી પ્રબળ માન્યતા હતી કે આ મકાનમાં મૃતકનો આત્મા ભટકે છે અને ત્યાં રહેવા આવનાર લોકોને પરેશાન કરે છે.


મૃતક મહિલાનું નામ ફરજાના હતું

ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, FSL અને મેડિકલ એક્સપર્ટ્સની હાજરીમાં કુતુબનગરના પ્લોટ નંબર 10ના મકાનમાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 20 ફૂટ ઊંડે સુધી ખોદકામ કર્યા બાદ પોલીસને માનવ કંકાલ મળી આવ્યું હતું, જેનાથી દાયકાઓ જૂના રહસ્ય પરથી પડદો ઊંચકાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક મહિલાનું નામ ફરજાના હતું, જે મૂળ ધોળકાની રહેવાસી હતી.


દેહવ્યાપારના વ્યવસાયમાં સંડોવાઈ હતી

ફરજાનાના જીવન અને તેની હત્યા પાછળની કરુણ ગાથા તપાસ દરમિયાન બહાર આવી છે. વર્ષ 1992માં તેના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ લગ્નના એક વર્ષમાં જ તે પિતાના ઘરે પરત ફરી હતી. ત્યારબાદ તે દેહવ્યાપારના વ્યવસાયમાં સંડોવાઈ હતી, જેના કારણે તેના પરિવારે સામાજિક આબરૂ જવાની બીકે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. પરિવારે ક્યારેય તેની શોધખોળ કરી નહોતી કે પોલીસમાં ગુમ થયાની નોંધ પણ કરાવી નહોતી. આ દરમિયાન ફરજાનાનો પરિચય સમસુદ્દીન સાથે થયો અને બંનેએ લગ્ન કર્યા હતા.


ગળું દબાવી હત્યા કરી નાખી

જોકે, લગ્ન બાદ પણ ફરજાનાએ તેની જૂની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી અને તે સમસુદ્દીનને છોડવા પણ તૈયાર નહોતી. પત્નીની આ જીવનશૈલીથી કંટાળીને સમસુદ્દીને તેને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું. આ કાવતરામાં સમસુદ્દીને તેના મોટા ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને સાલિયા બીબીની મદદ લીધી હતી. અબ્દુલ કરીમનો સાલિયા બીબી પર આર્થિક ઉપકાર હોવાથી, તેણે આ ગુનામાં સાથ આપ્યો હતો. ઇકબાલ અને અબ્દુલ કરીમે સાલિયા બીબીના ઘરે અગાઉથી જ ખાળકૂવા માટે મોટો ખાડો ખોદાવી રાખ્યો હતો. એક રાત્રે જ્યારે ફરજાના સૂઈ રહી હતી ત્યારે આ શખ્સોએ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને 20 ફૂટ ઊંડા ખાડામાં દફનાવી દીધી હતી. ગુનો છુપાવવા માટે અબ્દુલ કરીમે તે જગ્યા પર પ્લાસ્ટર પણ કરી દીધું હતું.


કંકાલના DNA નમૂના લેવામાં આવ્યા

આ ઘટના બની તે સમયે રાત્રિના સમયે સાલિયા બીબીના એક સંબંધી ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે આ પાંચેય જણાને જોઈ લીધા હતા. જોકે, આરોપીઓએ આ સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી તે આટલા વર્ષો સુધી ચૂપ રહ્યો હતો. હાલમાં પોલીસને મળેલા કંકાલના DNA નમૂના લેવામાં આવ્યા છે અને તેને સિવિલ હોસ્પિટલ મોકલાયા છે. આ DNAને ફરજાનાના જીવિત ભાઈના DNA સાથે સરખાવવામાં આવશે જેથી વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય કે કંકાલ ફરજાનાનું જ છે.


અબ્દુલ કરીમનું કુદરતી મૃત્યુ થયું 

ACP ભરત પટેલના જણાવ્યા અનુસાર, આ કાવતરામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓ પૈકી સાલિયા બીબી અને અબ્દુલ કરીમનું કુદરતી મૃત્યુ થયું છે, જ્યારે સમસુદ્દીન અને ઇકબાલ હજુ જીવિત છે. પોલીસ હવે FSL અને DNA રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ અહેવાલો પ્રાપ્ત થયા બાદ જ વિધિવત રીતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને કોર્ટમાં મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. ૩૪ વર્ષ જૂના આ કેસના ઉકેલે સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application