મેટોડામાં પીતરાઇ ભાઇઓ પર ખુની હુમલો: હુમલાખોર ત્રિપુટી ઝડપાઇ

  • April 09, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મેટોડામાં બે પીતરાઇ ભાઇઓ પર ત્રણ શખસોએ છરી અને ધારીયા વડે ખુની હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી મેટાડા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ખુની હુમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડના શીશાંગ ગામે રહેતાં રામદેવસિંહ અશોકસિંહ જાડેજા (ઉવ.૨૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજકુમાર સિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઘનુભા જાડેજા (રહે. શીશાંગ) અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૨ માં આવેલ આઇ.એસ.કે. આટો ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં છેલ્લા બે વર્ષથી કંપનીની ઇકો ગાડીનું ડ્રાઇવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઇ તા.૦૭/૦૪/૨૦૨૫ ના સવારના નવેક વાગ્યે તેઓ કંપનીએ આવેલ અને બેંકનું કામ હોય જેથી બપોરના સમયે ઘરે શીશાંગ ગયેલ ત્યાંથી તે અને તેના પિતા અશોકસિંહ પોતાની ઇકો ગાડી લઈને મોટા વડાળા ગ્રામીણ બેંકમાં બેંકનું કામ પતાવી પરત શીશાંગ આવતા હતા ત્યારે મોટા વડાળા રોડ ઉપર તેઓના ગામના રાજકુમારસિંહ ઉર્ફે કુમાર જાડેજા પોતાની કાર ફરિયાદીની ઇકો ગાડી ઉપર નાખતા અકસ્માત થતા સહેજમાં અટકયો હતો.

જેથી ફરીયાદીએ તુરત જ રાજકુમાર સિંહ ઉર્ફે કુમારને ફોન કરેલ અને કહેલ કે, મારી ઉપર ગાડી કેમ નાખે છે? મારી સાથે આવી મસ્તી ન કરતો, તો કુમારે કહેલ કે, ગાડી આ રીતે જ ચાલશે અને હું કોઈ મસ્તી નહોતો કરતો બીજી વાર ભટકાડી જ દઇશ તેમ કહી ગાળો આપવા લાગેલ જેથી તેને ગાળો બોલવાની ના પાડતા કહેવા લાગેલ કે, હું હમણા મેટોડા આવુ છુ, તુ ત્યાં જ રહેજે તેવી ધમકી આપતાં તેઓએ ફોન કાપી નાખેલ હતો.


બાદ તેઓ તેના પિતાને ઘરે ઉતારી નોકરીએ મેટોડા જીઆઇડીસી ખાતે આવી ગયેલ હતો. ત્યારે કુમાર સતત ફોન કરી તું ક્યાં છો હું મેટોડા બે નંબરના ગેઇટે તારી વાટ જોઈ ઉભો છુ, તારે આવવુ ન હોય તો તારી કંપનીનુ એડ્રેસ આપ હુ ત્યા આવુ, તેવી ધમકી આપતો હતો. બાદમાં યુવાન અહીં જતા તેને જોઇ રાજકુમારસિંહ કહેવા લાગેલ કે, તુ ફોનમાં શું બોલતો હતો મારી સાથે મસ્તી કરવી નહી એમ, હવે તો માથે ચડાવી દઈશ કયા ખોવાઈ જઈશ કોઈને ખબર પણ નહી પડે ત્યારે ફરિયાદીના કાકાનો દિકરો પ્રદિપસિંહ પણ આવી ગયેલ અને તેણે કુમારને માથાકુટ નહીં કરવા સમજાવતો હતો. ત્યારે કુમાર એકાએક ઉશ્કેરાઈ જઈ પ્રદિપસિંહ સાથે ઝપાઝપી કરવા લાગેલ હતો. ત્યારે ફરીયાદી વચ્ચે પડી માથાકુટ ન કરવા સમજાવતો હતો.


દરમિયાન બસ સ્ટેન્ડની પાળીએ બેસેલ બે અજાણ્યા માણસો ઉભા થયેલ અને કુમારની ગાડીની પાછળની સીટ ઉપરથી ધારીયુ અને ધોકો કાઢી પ્રદિપસિંહને પાછળના ભાગે ધારીયુ મારી દીધેલ અને બીજો ઘા મારવા જતો હતો ત્યારે યુવાને હાથ વચ્ચે નાખતા અંગુઠાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. કુમારે તેના નેફામાંથી છરી કાઢી યુવાનને પીઠના ભાગે ઘા મારી દિધેલ હતાં અને પ્રદિપસિંહને પણ ગળામાં તથા પગમાં ગોઠણ પાસે છરકા કરી ઇજાઓ કરેલ હતી. અજાણ્યા શખસે લાકડાનાં ધોકા વડે બન્નેને મારવા લાગેલ જેથી તેઓ ત્યાંથી ભાગવા લાગેલ અને આરોપીઓ પણ નાસી છૂટ્યા હતાં.


બાદમાં તેઓ બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પ્રથમ મેટોડા અને બાદમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. બનાવ અંગે યુવાનની ફરીયાદ પરથી મેટોડા જીઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ એસ.એચ.શર્મા અને ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી રાજકુમારસિંહ ઉર્ફે કુમાર જાડેજા, અબ્બાસ અકબર મુલતાની અને આરીફ અકબર કાજી (રહે. બંને વડાળા, કાલાવડ) ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News