BREAKING NEWS

મારી મચડીને શાંતિ પુરસ્કાર લેવા ટ્રમ્પના ધમપછાડા, ભારત-પાક યુદ્ધ ટ્રમ્પે રોક્યું એવું મુનીરે કહ્યાનો અમેરિકી રાષ્ટ્રપતિનો દાવો

  • October 01, 2025 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે તેમના હસ્તક્ષેપથી એક મોટો સંઘર્ષ વધતો અટકાવાયો હતો અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તેમને કહ્યું હતું કે તેમણે લાખો લોકોના જીવ બચાવ્યા હતા. ટ્રમ્પે તેને સુંદર કાર્ય ગણાવ્યું હતું.


ટ્રમ્પના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફ તેમની મુલાકાતે આવ્યા હતા. મુનીરે કહ્યું હતું કે, આ માણસે લાખો લોકોના જીવ બચાવ્યા કારણ કે તેણે યુદ્ધ બંધ કર્યું હતું. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે તે સમયે પરિસ્થિતિ અત્યંત નાજુક હતી અને સંઘર્ષ ચાર દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં સાત ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલો હતા.


તેમણે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન એકબીજાની સામે હતા. મેં બંનેને ફોન કરીને કહ્યું હતું કે, 'જો તેઓ યુદ્ધ શરૂ કરે છે તો હું વેપાર બંધ કરી દઈશ. તમે બે પરમાણુ રાષ્ટ્રો છો, એવું થઈ શકે નહીં. મેં આ યુદ્ધ બંધ કર્યું છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે ક્યાં દેશે સાત વિમાન ગુમાવ્યા છે.


ભારતે વારંવાર ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે. ભારતનો દાવો છે કે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરાર બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓઃ વચ્ચે સીધી વાતચીત દ્વારા થયો હતો, કોઈ બાહ્ય હસ્તક્ષેપ દ્વારા નહીં. દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તાજેતરમાં આપેલા ભાષણમાં દાવો કર્યો હતો કે મે મહિનામાં થયેલી અથડામણ દરમિયાન તેમની વાયુસેનાએ સાત ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. તેમણે કહ્યું, અમારા ફાલ્કન્સે ઉડાન ભરી અને સાત ભારતીય જેટને ધ્વસ્ત કરી દીધા.


જોકે, સેટેલાઇટ તસવીરોએ પાકિસ્તાનના દાવાને ખોટો સાબિત કર્યો. જે દર્શાવે છે કે ભારતીય હુમલાઓએ પાકિસ્તાની એરબેઝને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું, હેંગર અને રનવેનો નાશ કર્યો, જ્યારે પાકિસ્તાનની બદલો લેવાની કાર્યવાહી નિષ્ફળ ગઈ.


આ ઘટનાનો ઉલ્લેખ કરતા, ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી કે તેમને કદાચ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળે, જ્યારે આ સન્માન જેણે કંઈ કર્યું નથી તેને આપી શકાય છે. જોકે, તેમણે કહ્યું કે તેમની પ્રાથમિકતા વ્યક્તિગત ઓળખ નહીં પરંતુ દેશના હિતની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application