ભાણવડમાં નગરપાલિકાના સફાઇ કામદાર અનશન પર

  • November 04, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ નગરપાલિકામાં સફાઇ કામદારના વિધવા પત્નીને કુટુંબ પેન્શન, જીપીએફ સહિતની મળવાપાત્ર રકમ આજ દિન સુધી મળી નથી, જેથી મરનારના વિધવા પત્ની ચંપાબેન રમેશભાઇ ઢાંકેચાએ રોષ વ્યક્ત કરી પાલિકા કચેરીના પટાંગણમાં ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે અને આ બાબતે ચીફ ઓફિસર, જીલ્લા કલેકટર, પ્રાદેશિક નિયામક સહિત રાજકીય મહાનુભાવોને પત્ર લખી ન્યાય માટે માંગણી કરી છે.
વિધવા મહિલા ચંપાબેન રમેશભાઇ ઢાંકેચાએ સરકારી તંત્રને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, તેમના પતિ રમેશભાઇ સવજીભાઇ ઢાંકેચા ભાણવડ નગરપાલિકામાં કાયમી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ ફરજ દરમ્યાન રમેશ સવજી ઢાંકેચાનું અવસાન થતાં પરિવાર ઉપર આભ ફાટ્યું હતું, જીવન નિર્વાહ કેમ ચલાવવો એ બાબતે ચિંતા થવા લાગી હતી.
આ બાબતે વિધવા મહિલા ચંપાબેન રમેશભાઇ ઢાંકેચાએ પતિના અવસાન બાદ મળવાપાત્ર હક્ક હિસ્સાની રકમ અંગે સ્થાનિક નગરપાલિકા કચેરી, પ્રાદેશિક નિયામક કચેરી રાજકોટ તેમજ ગાંધીનગર સુધીના એક વર્ષથી ચક્કર કાપી રહ્યા હોવા છતાં હક્ક હિસ્સાની રકમ મળતી નથી.
વિધવા મહિલા ચંપાબેન રમેશભાઇ ઢાંકેચાએ પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે, સ્થાનિક નગર પાલિકા દ્વારા હક્ક હિસ્સાની રકમ બાબતે ઇરાદાપૂર્વક વિલંબ કરે છે, અંતમાં તેમણે મળવાપાત્ર રકમની રાજકોટ પ્રાદેશિક નિયામકને રુબરુ રજૂઆત કરી હતી અને રાજકોટ ઝોનમાંથી પણ વિધવા મહિલાને મળવાપાત્ર રકમ ચૂકવવા સ્થાનિક પાલિકાને આદેશ કર્યો છે, આમ છતાં રકમ મળતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application