જામનગરમાં આજ સાંજથી મહોર્રમ શરુ: તા. ૨૯મીએ યૌમે આશુરા

  • July 19, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે પહેલી તારીખ એટલે ઇસ્લામી નવા વર્ષની શરુઆત : જામનગર, બેડી, સલાયા, ખંભાળીયા સહિતના સમગ્ર હાલારમાં ૧૨૦૦થી વધુ નાના-મોટા તાજીયા તૈયાર : સૌથી જુના ચાંદીના તાજીયા પર ઉમટે છે માનવ મહેરામણ : આજ રાતથી વાએઝ અને ઠેર ઠેર ન્યાઝ તથા સરબતનું વિતરણ કરીને શહીદોને અપાશે અશ્રુભીની અંજલી

માતમના પર્વ મનાતા મહોર્રમ માસનો આજ સાંજ બાદ પ્રારંભ થશે, આવતીકાલે પહેલી તારીખ એટલે કે ઇસ્લામી નવા વર્ષની શરુઆત થશે અને આ સાથે જ સમગ્ર વિશ્ર્વનો મુસ્લીમ સમાજ ઇમામ-એ-આલી મકામ, શહીદ-એ-આઝમ હઝરત ઇમામ હુસૈન (ર.અ.) અને કરબલાના ૭૨ શહીદોની યાદમાં ડુબી જશે, ઠેર ઠેર વાએઝ, ન્યાઝની આજથી શરુઆત થઇ જશે, તા. ૨૯ જુલાઇ શનિવારના રોજ યૌમે આશુરાનો દિવસ હશે અને આ જ દિવસે તાજીયા ટાઢા કરવામાં આવશે, સતત ૧૦ દિવસ સુધી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના સુન્ની મુસ્લીમો ઇમામ-એ-આઝમની પવિત્રતમ શહાદતને યાદ કરીને અશ્રુભીની અંજલી આપશે.
આજે સાંજે વિધિવત રીતે મહોર્રમ માસનો પ્રારંભ થશે આ તકે સંખ્યાબંધ સ્થળોએ કરબલાની શહાદતને યાદ કરવા માટે વાએઝના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, આ ઉપરાંત જામનગર શહેર, જીલ્લમાં ૫૦૦ મોટા અને અંદાજે ૭૦૦ જેટલા નાના કદના તાજીયા મળીને ૧૨૦૦ જેટલા તાજીયાઓ તૈયાર કરી લેવામાં આવ્યા છે, જે તા. શુક્રવારના રોજ પડમાં આવશે અને શનિવારની રાત્રે આખી રાત તાજીયા નિયત રુટ પર ફરશે, તા. ૨૯ શનિવારના રોજ યૌમે આશુરાના દિવસે તાજીયા ટાઢા કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે જામનગરમાં ચાંદીનો તાજીયો એ સૌથી જુનો છે, રાજાશાહીના સમયમાં રાજ પરિવાર દ્વારા આ ચાંદીનો તાજીયો આપવામાં આવ્યો હતો ત્યારથી ચાંદીના તાજીયાનું અનેરુ મહત્વ છે અને ચાંદીના તાજીયાને જોવા માટે પ્રતી વર્ષ હજારો લોકો ઉમટે છે.
પરંપરાગત રીતે પ્રતિ વર્ષ મુસ્લીમ વિસ્તારોની ગલી ગલીમાં સબીલો બનાવવામાં આવે છે અને તેના પર ન્યાઝ ઉપરાંત સરબતનું ૧૦ દિવસ સુધી વિતરણ ચાલે છે, સંખ્યાબંધ સ્થળોએ દરરોજ રાત્રે આમ ન્યાઝના આયોજનો કરવામાં આવે છે, આ ઉપરાંત મહિલાઓ દ્વારા અલગથી શહીદોની યાદમાં કાર્યક્રમો યોજાતા હોય છે જે આ વખતે પણ યોજાશે.
જામનગરમાં શંકરટેકરી રઝાનગર ખાતે મુફતી હમ્માદ રઝા મુરાદાબાદી, મીરાદાતાર હુશેની ચોક ખાતે પીરે તરીકત આલીમોકારી મૌલાના મુસ્તાકબાપુ ચીશ્તી હબીબી, અકસા ચોક કાલાવડ નાકા બહાર મૌલાના સુલેમાન બરકાતીસાહેબ, અમન ચમન સોસાયટીમાં સૈયદ આફતાફબાપુ કાદરી, સુમરા ચાલી પાસે મદીના મસ્જીદના પેશ ઇમામ મૌલાના હાફીઝ ફૈઝુલ હશન રઝવી, હાજી પીર ચોક ખોજાનાકા ખાતે વારીયા મસ્જીદના પેશ ઇમામ હાફીઝ મોહમદ નઝીર અહેમદ રઝવી શહીદોની યાદમાં સતત ૧૦ દિવસ વાએઝ ફરમાવશે.
આ ઉપરાંત હર્ષદમીલની ચાલી ખાતે મૌલાના અલી નીઝામી, ઘાંચીની ખડકી શહીદી ચોક ખાતે સૈયદ હનીફબાપુ કાદરી રઝવી, પટ્ટણીવાડના પટ્ટણી જમાતખાના ખાતે મૌલાના મેરાજ અહેમદખાન, મોરકંડા રોડ અલસફા પાર્ક ખાતે હફીઝો કારી ગુલ્ફામ હશન રઝવી, મોરકંડા ગરીબ નવાઝ પાર્ક-૨ ખાતે સૈયદ અબ્બાસબાપુ કાદરી મોતીયુંવાલે તકરીર ફરમાવશે તેમ પીરે તરીકત અલ્લાજ મૌલાના મુસ્તાકબાપુ બ્લોચ ચીશ્તી કાદરી હબીબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બેડી, સલાયા, ખંભાળીયા, દ્વારકા, ધ્રોલ, જોડિયા સહિતના હાલારભરમાં આલીમો દ્વારા તકરીર કરીને કરબલાના શહીદોની મહાન શહાદતને યાદ કરવામાં આવશે.
આજ સાંજથી ૧૦ દિવસ સુધી તમામ સુન્ની મુસ્લિમોના ઘરોમાં ઇમામ-એ-આલી મકામ, શહીદ-એ-આઝમની યાદમાં અલ્લાહની બંદગી કરવામાં આવશે, કુરઆન ખ્વાની, દુરુદ શરીફના ખત્મ અને મહિલાઓની મજલીસોના આયોજનો થશે, જેમાં ઇમામ હુશેનની અઝીમોશાન શહાદતને યાદ કરીને આંસુ સારવામાં આવશે.
તા. ર૮ ની આખી રાત અને તા. ર૯ ની બપોર બાદ નિયત રુટ પર તાજીયાઓના સરઘસ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોની સાથે સાથે ઘણા બધા હિન્દુ ભાઇ-બહેનો પણ પ્રતિવર્ષ આસ્થાભેર જોડાઇને કોમી એકતાનું ઉદાહરણ પુ‚ં પાડે છે. જેનું આ વર્ષે પણ અનુકરણ થશે.
**
રતનબાઇ મસ્જીદ પાસે જશ્ને શહીદે આઝમ: આજથી વાએઝની શરુઆત: વરસાદ હશે તો મસ્જીદની અંદર વાએઝના આયોજન થશે
આજ સાંજ બાદ મહોર્રમ માસનો પ્રારંભ થશે અને આ સાથે જ સમગ્ર વિશ્ર્વના સુન્ની મુસ્લિમો શોહદા એ કરબલાની યાદમાં લીન થઇ જશે, મહાનતમ શહાદતને યાદ કરવામાં આવશે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રતનબાઇ મસ્જીદ પાસે સતત ૧૦ દિવસે જશ્ને શહીદે આઝમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિવર્ષ હજારો ભાઇ-બહેનો વાએઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે, ખૂબ જ સુંદર વ્યવસ્થા અને ન્યાઝ તકસીમ કરવામાં આવે છે. આજે તા. ૧૯ ને બુધવારથી રતનબાઇ મસ્જીદ હુશેની ચોક ખાતે ઇશાની નમાઝ બાદ રાત્રે ૧૦ વાગ્યાથી કાઝી-એ-શઅર રામપુર ખલીફા-એ-હુઝુર તાજુશ્શરીયાહ વ કાઇદે મીલ્લત હઝરત અલ્લામા મૌલાના સૈયદ ફૈઝાન મીયા હસન કાદરી રઝવી (યુ.પી.) કરબલાના શહીદોની શાનમાં તકરીર ફરમાવશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને બહેનો ઉપસ્થિત રહેશે. જો વરસાદ હશે તો તકરીરનું આયોજન રતનબાઇ મસ્જીદની અંદર કરવામાં આવશે, પ્રતિવર્ષની જેમ વાએઝ બાદ હુશેની વાએઝ કમિટીના સભ્યો દ્વારા ઉપસ્થિત હજારો લોકોને મીનીટોની અંદર ખૂબ જ સારા આયોજન સાથે ન્યાઝ તકસીમ કરવામાં આવે છે, જે આ વખતે પણ થશે અને ઉપસ્થિત લોકો વાએઝ સાંભળ્યા બાદ ન્યાઝ મેળવશે. રતનબાઇ મસ્જીદની બહાર જશ્ને શહીદે આઝમનું આયોજન થાય છે, પરંતુ ટ્રાફીક વ્યવસ્થા જરા પણ ખોરવાઇ નહીં એ રીતે સમગ્ર વ્યવસ્થા હુશેની વાએઝ કમિટી દ્વારા કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application