માથાભારે પુત્રવધુ: ઘરકામ બાબતે ઝગડો થતા પંખો સાફ કરતા સાસુને ધક્કો માર્યો

  • May 13, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહકંકાસના કિસ્સામાં પુત્રવધુ દ્વારા સાસુ સહિતના સાસરિયા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે. પરંતુ ગોંડલમાં ઉલ્ટી ગંગા વહી છે. ઘરકામ બાબતે સાસુ-વહુ વચ્ચે ઝગડો થતા સાસુ રૂમમાં સ્ટેપ સીડી પર ચડી પંખો સાફ કરતા હતા ત્યારે માથાભારે પુત્રવધુએ ધક્કો મારતા સાસુ નીચે પટકાતા ડ્રેસિંગ ટેબલનો ખૂણો માથામાં લાગી જતા આઠથી દસ ટાકા આવ્યા હતા. બનાવ અંગે સાસુએ પુત્રવધુ સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના રાધાકૃષ્ણનગરમાં રહેતા રીટાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ(ઉ.વ.50)નામના મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં પુત્રવધુ માધવી કિશનભાઈ ગોહેલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે સંતાનમાં એક દીકરો દીકરી છે જેમાં દીકરા કિશનના લગ્ન આજથી દશેક વર્ષ પહેલા જેતપુર રહેતા હસમુખભાઈ રતિભાઈ ગોહેલની દીકરી માધવી સાથે કર્યા હતા. ત્રણેક દિવસ પહેલા પતિ અને દીકરો કામે ગયા હોય ત્યારે ઘરે હું, પુત્રવધુ માધવી અને પૌત્ર-પૌત્રી ઘરે હતા ત્યારે ઘરકામ બાબતે પુત્રવધુ સાથે ઝગડો થતા પુત્રવધુ ગાળાગાળી કરવા લાગી હતી. બાદમાં હું ત્રીજા માળે રૂમમાં સ્ટેપ સીડી પર ચડી પંખો સાફ કરતી હતી ત્યારે પુત્રવધુ ત્યાં આવી મને ધક્કો મારી દેતા નીચે પડી હતી અને ડ્રેસિંગ ટેબલનો ખૂણો માથાના ભાગે લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. એમ છતાં પુત્રવધુ બીજા રૂમમાં ચાલી ગઈ હતી. હું થોડીવાર બાદ ભાનમાં આવતા દીકરા-દીકરીને ફોન કરીને બોલાવતા મને દવાખાને લઈ ગયા હતા અને ત્યાં આઠથી દશ ટાંકા લેવા પડ્યા હતા.બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે પુત્રવધુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News