BREAKING NEWS

માતા અને સાવકા પિતાએ 11 વર્ષની બાળકીને રૂ. 12 લાખમાં વેચી દીધી, ત્રણ નરાધમે ગેંગરેપ કર્યો

  • May 29, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત ઘૃણાસ્પદ અને કાળજું કંપાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક કળિયુગી માતાએ જ સાવકા પિતા સાથે મળી પોતાની માત્ર ૧૨ વર્ષની સગીર પુત્રીનો સોદો કરી તેને રૂ.૧૨ લાખમાં વેચી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકીને ખરીદ્યા બાદ નરાધમો દ્વારા તેના પર બાળ લગ્ન માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સતત એક વર્ષ સુધી તેના પર અમાનવીય ત્રાસ ગુજારી સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો.


પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત સગીરાના પિતાનું જાન્યુઆરી ૨૦૨૫માં વધુ પડતા દારૂ પીવાના કારણે અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ પરિવાર આર્થિક સંકટમાં મુકાયો હતો, જેનો ફાયદો ઉઠાવી તેની સગી માતાએ બીજા લગ્ન કરી લીધા હતા અને પોતાની માસૂમ દીકરીને પૈસાની લાલચમાં આવીને નરાધમોના હવાલે કરી દીધી હતી. આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોએ સગીરાનું માત્ર શારીરિક શોષણ જ નહોતું કર્યું, પરંતુ તેને એક રૂમમાં બંધ રાખીને અમાનવીય યાતનાઓ પણ આપી હતી.


આ ભયાનક મામલો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે પીડિતાની સગી માતા સહિત કુલ છ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આ કેસના છ આરોપીઓમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.


પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોક્સો એક્ટ અને બળાત્કાર સહિતની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પાંચ આરોપીઓ જેલના સળિયા પાછળ છે, જ્યારે આ ગુનાના મુખ્ય સૂત્રધાર અને મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળો પર સઘન દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ માસૂમ બાળકીને હાલ મુક્ત કરાવીને તબીબી સારવાર અને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. કાયદાના રક્ષકોએ દાવો કર્યો છે કે મુખ્ય આરોપીને પણ ટૂંક સમયમાં ઝડપી પાડીને તમામ દોષિતોને ન્યાયાલય સમક્ષ રજૂ કરી કડકમાં કડક સજા અપાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application