ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની વિમાન સેવા પર અસર પડી છે અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફલાઇટ રદ્દ કરવામાં આવી છે, અમદાવાદથી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મિડલ ઈસ્ટ જતી અને આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને મુસાફરો માટે હેલ્પલાઇન નં. 1800 123 3901 જાહેર કરવામાં આવી છે. ફલાઇટની સ્થિતિ તપાસ બાદ મુસાફરીની સલાહ આપવામાં આવી છે અને અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક તૈયાર કર્યા છે.
અમદાવાદથી યુકે વાયા દુબઇ જતી ફ્લાઇટ રદ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને લઈ હવાઈ સેવાને અસર પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા મુસાફરો ગઈકાલે રાતથી જ હેરાન થયા હતાં. દુબઈમાં એરપોર્ટ બંધ હોવાથી મુસાફરો ફસાયા હતાં. અમદાવાદથી વાયા યુકે થઈને દુબઈ જતી ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફલાઈટ ઓપરેશન પણ બંધ કરવામાં આવ્યું હોવાથી મુસાફરો હેરાન થયા હતાં.
રાજકોટથી આવેલા મુસાફરો અમદાવાદમાં અટવાયા
અમદાવાદ એરપોર્ટ પર રાજકોટથી આવેલા મુસાફરો અટવાયા હતાં. ફ્લાઈટો રદ કરવામાં આવી હોવા છતાં એરલાઈન્સ કંપનીએ મુસાફરોને જાણ કરી નહોતી. જેના કારણે મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર અટવાયા હતાં. કંપનીએ જાણ નહીં કરતાં મુસાફરોને લગેજ સાથે ફરવાનું થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરોએ કહ્યું હતું કે, ફ્લાઈટ રદ કરવામાં આવી એની જાણ કરી નહીં અને હવે અમારે ક્યાં જવું એ સૌથી મોટો સવાલ છે. કંપનીએ અગાઉથી જાણ કરી હોત તો આ મુશ્કેલી ના સર્જાઈ હોત.