માનવ શરીર પણ પંચ તત્વ વિષય સાથેનું પાઠ્યપુસ્તક છે મોરારિબાપુ

  • February 01, 2024 03:58 PM 

ચિત્રકૂટધામ, તલગાજરડા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંકલનથી આજે 'ચિત્રકૂટ સન્માન' અર્પણ કાર્યક્રમમાં મોરારિબાપુએ માનવ શરીર પણ પંચ તત્વ વિષય સાથેનું પાઠ્યપુસ્તક છે, તેં પણ ભણાવવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.


રાજ્યના પસંદ થયેલા પાંત્રીસ શિક્ષકોને 'ચિત્રકૂટ સન્માન' અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ સાંપ્રત શિક્ષણ પ્રણાલી અને પાઠ્યક્રમ શીખવવા સાથે જ માનવ શરીર પણ પંચ તત્વ વિષય સાથેનું પાઠ્ય પુસ્તક છે, તે પણ ભણાવવા શિક્ષકોને અનુરોધ કર્યો અને આ પાંચ એટલે પૃથ્વી જેમાંથી ધીરજ, સહન અને ધારણ, જળ જેમાંથી બિનજરૂરી નિકાલ, સંવેદના આંસુ અને પરસેવો, આકાશ જેમાંથી વિશાળ, નિખાલસ અને અસંગ, વાયુ જેમાંથી મંદ, સુગંધ અને શીતળ તથા અગ્નિ જેમાંથી પવિત્ર, અનાવશ્યક બાળવું અને વસ્તુ પકાવવાનાં ગુણ વિદ્યાર્થીઓને શીખવવા ભાર મૂક્યો. વિદ્યા મંડળના ચાર સ્તંભો સરકાર, વાલી, શિક્ષક અને વિદ્યાર્થી પૈકી શિક્ષણ વધુ મજબૂત સ્તંભ બની રહે છે તેમ જણાવ્યું હતું.


રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ પ્રસંગે ભગવત ગીતા અને શાસ્ત્રોનો ઉલ્લેખ કરીને સરકાર દ્વારા અભ્યાસમાં દાખલ કરાયાની વાત કરી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં સૌની સંવેદનાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ તો સ્વાભાવિક હોય છે પરંતુ તેમાં ઉમેરાતી સંવેદના મહત્વની બાબત છે, જે અહીંયા થઈ રહ્યું છે. તેઓએ શિક્ષકોના સન્માન પ્રસંગે સૌને બિરદાવી 'પરા' અને 'અપરા' વિદ્યા અંગે પણ સભાનતા અને સજાગતા માટે જણાવ્યું હતું. અહીંયા સિતારામબાપુ એ વિજ્ઞાન અને અધ્યાત્મની વાત કરીને તે માટે શિક્ષકની ભૂમિકા જણાવી કહ્યું કે, શિક્ષક એ આજીવન શિક્ષક હોય છે. તલગાજરડામાં જૂની શાળાને સ્મારક તરીકે લોકાર્પણ સાથે ચિત્રકૂટધામ દ્વારા નિર્માણ થયેલ કન્યાશાળાનું લોકાર્પણ તેમજ પ્રાથમિક શાળાના આધુનિક અને ભવ્ય સંકુલ માટેનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મંત્રી સતીષ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે સન્માનિત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.



આ કાર્યક્રમમાં ધારા સભ્ય શિવાભાઈ ગોહિલ, સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ સાથે શિક્ષક સંઘ હોદ્દેદારો અને ગામના અગ્રણીઓ જોડાયા હતા. પ્રારંભે મનુભાઈ શિયાળે સૌનું સ્વાગત કરેલ અને આભાર વિધિ જગદીશભાઈ કાતરિયાએ કરી હતી. સંચાલનમાં ભરતભાઈ પંડ્યા રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application