દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસું પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન અનુસાર, આગામી 11 જુલાઈ સુધી દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબ-હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની સાથે ગર્જના અને કલાકના 40 થી 60 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
દિલ્હી-NCRમાં ભારે પવન સાથે આકાશી આફત
રાજધાની દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં કલાકના 5 થી 20 મીમીની ઝડપે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ, પૂર્વ દિલ્હી, શાહદરા, સેન્ટ્રલ દિલ્હી, નવી દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી સહિતના તમામ વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. 7 થી 9 જુલાઈ અને 11 જુલાઈએ વરસાદનો વ્યાપ સમગ્ર દિલ્હી-NCRને આવરી લેશે.
રાજસ્થાનમાં અતિભારે વરસાદની ચેતવણી
IMD એલર્ટ પ્રમાણે પૂર્વી રાજસ્થાનમાં 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જે 11 જુલાઈએ પણ ચાલુ રહેશે. જ્યારે પશ્ચિમી રાજસ્થાનમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ વરસી શકે છે. આ આખો સપ્તાહ રાજસ્થાનમાં વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા જેવો માહોલ રહેશે.
પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનો ખતરો
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો માટે પણ સ્પેશિયલ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં 6 અને 7 જુલાઈએ જ્યારે ઉત્તરાખંડમાં 6 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદને પગલે નદીઓમાં પૂર અને પહાડો ધસી પડવાની (લેન્ડસ્લાઇડ) આશંકા છે. આ બંને રાજ્યોમાં 11 જુલાઈ સુધી ચોમાસું સક્રિય રહેશે.