BREAKING NEWS

પ્રજાને ઇંધણ બચાવવાની સલાહ અપાતા પહેલા મોદી ચાર્ટરમાં ફરવાનું બંધ કરી દે

  • May 12, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય નાના પટોલેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં સરકારી ખર્ચ અને વીવીઆઈપી પ્રવાસો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પટોલેએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે જ્યારે સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલ બચાવવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને નકામા ખર્ચ ઘટાડવા માટે વિનંતી કરવામાં આવી રહી છે, ત્યારે સરકાર અને વરિષ્ઠ નેતાઓએ પણ તેનું પાલન કરવું જોઈએ.


નાના પટોલેએ પત્રમાં લખ્યું છે કે તાજેતરના ભાષણમાં, વડા પ્રધાને લોકોને વિદેશ મુસાફરી ઘટાડવા, બળતણ બચાવવા અને મેટ્રો જેવા જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આ સંદેશ દેશ માટે સારો હતો, પરંતુ તે જ સમયે, સ્વીડન, નોર્વે, યુએઈ અને ઇટાલી જેવા દેશોની વડા પ્રધાનની પ્રસ્તાવિત મુલાકાતોના સમાચાર સામે આવ્યા.તેમણે કહ્યું કે ત્રજાને આપેલી સલાહ પોતે પણ અનુસરવી જોઈએ ને. પટોલેએ એ પણ નોંધ્યું હતું કે તેલંગાણા, બેંગલુરુ અને જામનગરની મુલાકાતો દરમિયાન ચાર્ટર્ડ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મોટો કાફલો તેમાં જોડાયો હતો. આવી મુલાકાતોમાં નોંધપાત્ર પ્રમાણમાં બળતણનો વપરાશ થાય છે.


સરકાર પોતે કરકસર અપનાવી દાખલો બેસાડે

કોંગ્રેસ નેતાએ તેમના પત્રમાં લખ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશ્વભરમાં વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો સરકાર ખરેખર બળતણ બચાવીને અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માંગતી હોય, તો તેણે પોતાની જાતથી શરૂઆત કરવી જોઈએ. તેમણે બિનજરૂરી હોય ત્યાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સનો ઉપયોગ ઘટાડવા અને મોટા કાફલા ટાળવાનું સૂચન કર્યું.પટોલેએ કહ્યું કે જનતા અપેક્ષા રાખે છે કે નેતાઓ અને સરકાર તેઓ લોકોને જે સંદેશ આપે છે તેનું પાલન કરે. તેમણે વડા પ્રધાનને અપીલ કરી કે સરકાર અને શાસક પક્ષ પોતે કરકસર અપનાવીને રાષ્ટ્ર માટે એક ઉદાહરણ બેસાડે.

નાના પટોલેના પત્રથી રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે. વિપક્ષ તેને સરકાર પર સીધો હુમલો માની રહ્યો છે, જ્યારે ભાજપે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં આ મુદ્દો રાજકીય ચર્ચાનો ભાગ બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application