મોદી સ્કુલનો આ કેવો ‘વટહુકમ’: ફીમાં ૨૦૦૦ની નોટ નહીં સ્વીકારે

  • May 25, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકારે ૨૦૦૦ના ચલણની નોટ પાછી ખેંચવાની જાહેરાત જરુર કરી છે પરંતુ આ લીગલ ટેન્ડર જ છે તેને નહીં સ્વીકારવાનો મોદી સ્કુલનો આ મેસેજ સો ટકા ગેરકાયદેસર છે: રુા.૧૦૦, ૨૦૦, ૫૦૦ના ચલણમાં ફી ચુકવવાનો ફતવો: ગુજરાત સરકાર મોદી સ્કુલના આ હીટલરી ફરમાન સામે કોઇ પગલા લેશે..? ૨૦૦૦ની નોટનો ઇન્કાર કરવો એટલે સરેઆમ કાયદાનો ભંગ

રુા.૨૦૦૦ની ચલણી નોટ પાછી ખેંચવા માટેનો નિર્ણય જાહેર થયા બાદ ચોકકસ નિયમોને આધીન આ ચલણને બેંકોમાં ભરવાની પ્રક્રિયા ચાલું છે, રુા.૨૦૦૦નું ચલણ અસ્તિત્વમાં જ છે, લીગલ ટેન્ડર છે તેનો કોઇ ઇન્કાર કરી શકે નહીં, આ ચલણને સ્વીકારવું બધા માટે હાલ ફરજીયાત જ છે, કારણ કે ભારત સરકારે તેને લીગલ ટેન્ડર જ માન્યું છે, આવા સંજોગોમાં મોદી સ્કુલ દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકારની અવહેલના કરતો વટહુકમ પ્રકારનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ફી ભરતા વાલીઓને એવો આદેશ અપાયો છે કે, રુા.૧૦૦, ૨૦૦ અને ૫૦૦ના ચલણમાં જ કેશ ફી ભરવાની છે, આનો સીધો મતલબ એ છે કે, આ મોદી સ્કુલના સંચાલકોએ રુા.૨૦૦૦ની ચલણી નોટને લીગલ ટેન્ડર માનવાનો ઇન્કાર કર્યો છે, આ એક ગુનો છે જે અંગે તંત્ર અને કેન્દ્ર અને રાજયની સરકારે તાકીદના પગલા લેવાની જરુરીયાત છે.
આજે ધો.૧૦નું પરીણામ જાહેર થયું છે, એવા સંજોગો ટાંણે જ મોદી સ્કુલ દ્વારા પોતાની સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ મોકલવામાં આવ્યો છે અને તેમાં એવું લખાયું છે કે, ઉનાળુ વેકેશન બાદ નવું સત્ર શરુ કરવામાં આવશે, તમામ વાલીઓને વિનંતી છે કે, ચેક, ઓનલાઇન અથવા કેશ મારફત પોતાના બાળકની ફી ભરી દેવી, બ્રેકેટમાં એમ પણ લખ્યું છે કે, જે વાલીઓ રોકડમાં ફી ભરવા માંગતા હોય એમણે રુા.૧૦૦, ૨૦૦ અને ૫૦૦ના ચલણમાં ફી આપવાની રહેશે, જે વાલીઓ ફી ભરી ચૂકયા હોય તેઓ આ મેસેજને ઇગ્નોર કરે અને નીચે મોદી સ્કુલ જામનગર લખવામાં આવ્યું છે.
આ મેસેજનો સીધેસીધો મતલબ એ નિકળે છે કે, મોદી સ્કુલના સંચાલકોએ રુા.૨ હજારના લીગલ ટેન્ડરવાળી ચલણી નોટને સ્વીકારવાનો ખુલ્લેઆમ ઇન્કાર કર્યો છે અને બેબાક થઇને બેખૌફ થઇને મેસેજ પાઠવી તેના પુરાવા પણ આપી દીધા છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા રુા.૨૦૦૦ના ચલણની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરાઇ છે, પરંતુ સાથે-સાથે એવી મહત્વની ચોખવટ પણ કરવામાં આવી છે કે, આ ચલણી નોટ હાલ લીગલ ટેન્ડર જ છે અને કોઇપણ વ્યવહારમાં ૨૦૦૦ની ચલણી નોટ સ્વીકારવાનો કોઇ ઇન્કાર કરી શકશે નહીં.
જયારે રિઝર્વ બેંક ખુદ ગાઇડલાઇન જાહેર કરી ચૂકયું છે, ચાર મહીનાનો સમય અપાયો છે અને ત્યાં સુધી ચલણી નોટ લીગલ ટેન્ડર જ છે, આવા સંજોગોમાં મોદી સ્કુલના સંચાલકો ૨૦૦૦ની ચલણી નોટ નહીં સ્વીકારવાનો પરોક્ષ મેસેજ કેવી રીતે આપી શકે ?
ફી ભરવાના આ સંદેશામાં મોદી સ્કુલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની ગાઇડલાઇનનો રિતસરનો ઉલાળીયો કર્યો છે, આ ગંભીર બાબત છે, કોઇ શિક્ષણ સંસ્થા દેશના લીગલ ટેન્ડરને સ્વીકારવાનો ખૂલ્લેઆમ ઇન્કાર કરે એવું કેવી રીતે ચાલે ? તાકીદના ધોરણે સંબંધીત તંત્રએ મોદી સ્કુલના આ મેેસેજને પુરાવારુપી ગણીને તમામ એ પગલા લેવા જોઇએ જે લીગલ ટેન્ડર સ્વીકારવાનો ઇન્કાર કરનારાઓ સામે લઇ શકાય.
મોદી સ્કુલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ બાબતને ગંભીર ગણવી જોઇએ અને કેશમાં ફી ભરવા જાય ત્યારે રુા.૨૦૦૦ના ચલણની નોટ લઇને જવું જ જોઇએ, આ એમનો અધિકાર છે અને મોદી સ્કુલના સંચાલકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાથી ઉપર નથી, એમના ઘરના નિયમો ચાલે નહીં, ૨૦૦૦ના ચલણની નોટ એમને સ્વીકારવી જ પડે.
અહેવાલની સાથે મોદી સ્કુલના આ વિવાદાસ્પદ સંદેશાની નકલ પણ મુકવામાં આવી છે જેમાં ઇંગ્લીશમાં આખો મેસેજ લખવામાં આવ્યો છે, શિક્ષણ જગત માટે તો આ મેસેજ ભારે ચર્ચાનો વિષય છે જ સાથે-સાથે લગત તમામ તંત્ર માટે પણ આ મેસેજ ગંભીર છે, કારણ કે મોદી સ્કુલના સંચાલકોએ ભારત સરકારના અસ્તિત્વમાં રહેલા લીગલ ટેન્ડરને એટલે કે રુા.૨૦૦૦ની ચલણી નોટને નહીં સ્વીકારવાનો પરોક્ષ મેસેજ આપ્યો છે, જોઇએ આ સંબંધે મોદી સ્કુલ નામના આ શિક્ષણના હાટડા સામે શું પગલા લેવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application