રોજી બંદર નજીક દરિયામાંથી આતંકીઓ સાથેની બોટને ઝડપી લેવાની મોકડ્રીલ

  • April 12, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં બે દિવસ માટે સાગર સુરક્ષા કવચ : જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારના બંને જિલ્લાઓમાં ગઇકાલથી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે, અને એસ.ઓ.જી. મરીન પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો સાહિત જુદી જુદી ટુકડીઓ અભિયાનમાં જોડાઈ છે. ભુતકાળમાં બોમ્બ હુમલા વખતે આતંકીઓએ દરીયાઇ માર્ગનો ઉપયોગ કર્યો હતો જેથી દરીયાઇ કાંઠાના જીલ્લાઓમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વર્ષમાં બે વખત ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજવામાં આવે છે. સુરક્ષા જવાનોને બે દિવસ દરમ્યાન ટાસ્ક આપીને સતર્કતા ચકાસવામાં આવે છે. કોસ્ટકાર્ડ, એસઓજી, મરીન પોલીસ, કસ્ટમ, નેવી, જીએમબી, ફીશરીઝ સહિતની ટુકડીઓ તેમાં જોડાય છે.
ઓપરેશન સાગર સુરક્ષા કવચ અભિયાન દરમિયાન ગઇકાલે જામનગરના રોજી બંદર નજીકના દરિયામાંથી બેડી મરીન પોલીસના જવાનોએ એક બોટને ઝડપી લીધી છે, અને તેમાંથી ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે.  સાગર સુરક્ષા કવચની કવાયત હેઠળની આ કામગીરી અંગેની મોક ડ્રીલ જાહેર થઈ હતી.
 હાલારના દેવભૂમિ દ્વારકા અને જામનગર બંને જિલ્લાઓ ને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા અવારનવાર સુરક્ષા ના ભાગરૂપે સાગર સુરક્ષા કવચ અભિયાન હાથ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે હાલારના બંને જિલ્લાઓમાં બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
  બંને જિલ્લાઓની એસ.ઓ.જી. ની ટીમ તથા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ઉપરાંત કોસ્ટગાર્ડ સહિતની અન્ય એજન્સીઓ જોડાઈ હતી, અને દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
 જુદી જુદી સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારે મોક ડ્રીલ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર નજીકના દરિયામાં આતંકીઓ સાથેની એક બોટ આવી રહી છે, તે પ્રકારના સંદેશા ના આધારે બેડી મરીન પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને એક બોટને ઝડપી લીધી હતી, અને તેમાં રહેલા ચાર આતંકવાદીઓને અટકાયતમાં લેવાયા હતા.
 તેઓને બેડીના દરિયા કિનારે લઈ આવવામાં આવ્યા પછી ઉપરોક્ત બોટમાં ડમી આતંકવાદીઓને તેમજ ડમી બોમ્બને પ્લાન્ટ કરવામાં આવ્યા હોવાની મોકડ્રીલ જાહેર થઈ હતી. સમય મર્યાદામાં આ કવાયત પૂર્ણ કરવામાં પોલીસ સ્ટાફને સફળતા મળી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાગર કિનારાઓ ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલા તમામ ટાપુઓ ઉપર સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application