ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષા પૂર્વે કાલે કલેક્ટર તંત્ર દ્વારા મોકડ્રિલ

  • December 15, 2023 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યભરની વિવિધ કચેરીઓમાં ખાલી પડેલી અધિક મદદનીશ ઈજનેરો ની ખાલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે આગામી તારીખ 17 ના રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવનારી છે. પ્રથમ વખત ગૌણસેવા પસંદગી મંડળ ઓનલાઇન પરીક્ષા લેવા તરફ જઈ રહ્યું હોવાથી તેમાં ક્યાંય કચાસ ન રહી જાય તે માટે આવતીકાલે કલેકટર તંત્ર દ્વારા મોકડ્રીલ યોજવામાં આવશે.


પરીક્ષાનો સમય સવારે 9 થી 12 રવિવારે રાખવામાં આવ્યો છે અને તે મુજબ આવતીકાલે મોકડ્રીલ યોજાવાની છે. સવારે સાત વાગ્યાથી મોક ડ્રીલ શરૂ થઈ જશે. પરીક્ષા સંદર્ભે નિયુક્ત કરવામાં આવેલા ક્લાસ વન કક્ષાના આસિસ્ટન્ટ કોઓર્ડીનેટરો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રતિનિધિઓ તરીકેની નિયુક્તિ જાહેર કરી દેવામાં આવી છે. આ તમામ અધિકારીઓ ઉમેદવારો પરીક્ષા ખંડ કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યાંથી માંડી પરીક્ષાના સમયગાળા દરમિયાન અને પરીક્ષા પૂરી થયા પછી શું થઈ શકે તેમ છે તેની સમીક્ષા મોકડ્રીલમાં કરવામાં આવશે.


રવિવારની પરીક્ષા સંદર્ભે ક્લાસ વન અધિકારીઓને આસિસ્ટન્ટ કોઓર્ડીનેટરના જે ઓર્ડર આપવામાં આવ્યા છે તેમાં મારવાડી કોલેજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી, મેટોડામાં ત્રણ કેન્દ્ર છે તેમાં એક કેન્દ્રમાં જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અવની દવે, બીજા કેન્દ્રમાં જિલ્લા રજીસ્ટર વિશાલ કપુરીયા અને ત્રીજા સેન્ટરમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગના એ.એસ ખવડ ને જવાબદારી સોપવામાં આવી છે.


બહારગામથી આવતા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી જવામાં કોઈ સમસ્યા ન રહે તે માટે સીટી બસની વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેટોડા અને મારવાડી કોલેજ જવા માટે સીટી બસની ફ્રિકવન્સી સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી વધારી દેવા જણાવ્યું છે અને તેવી જ રીતે પરીક્ષા પૂરી થયા પછી પણ સીટી બસની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેમ કરવા માટે કલેક્ટરે સૂચના આપી છે.


પરીક્ષા દરમિયાન કોઈ પ્રશ્ન ઊભા થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ આવી શકે અને ઉમેદવારોને માર્ગદર્શન મળી શકે તે માટે નવી કલેકટર કચેરીમાં આવેલ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે અને તેની જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારી વાગવાણી અને કર્મચારી નિલેશ અજમેરાને સોંપવામાં આવી છે.

પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ મ્યુનિસિપલ કમિશનર અને માર્ગ મકાન વિભાગના વિદ્યુત સેક્શનના કાર્યપાલક ઇજનેરનો સમાવેશ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application