મણિપુરમાં પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત, રાજ્યમાં ફરી સ્થિતિ વણસી

  • September 26, 2023 11:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુરમાં સ્થિતિ સુધરતી જણાતી નથી. લગભગ પાંચ મહિનાથી સળગી રહેલા રાજ્યમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ઇમ્ફાલ ઘાટીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા બે વિદ્યાર્થીઓની હત્યાના વિરોધમાં સેંકડો વિદ્યાર્થીઓએ મંગળવારે ઇમ્ફાલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં છોકરીઓ સહિત ઓછામાં ઓછા 34 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બગડતી પરિસ્થિતિને જોતા, મણિપુર સરકારે ફરીથી આગામી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.


સરકારી નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું?

મણિપુર સરકારે 1 ઓક્ટોબર, 2023 ના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી તાત્કાલિક અસરથી રાજ્યના અધિકારક્ષેત્રમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટા સેવાઓ, VPN દ્વારા ઇન્ટરનેટ/ડેટા સેવાઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.



શું છે સમગ્ર મામલો?

પોલીસે જણાવ્યું કે આંદોલનકારી વિદ્યાર્થીઓએ સુરક્ષા દળો સાથે અથડામણ કરી જ્યારે તેમને મુખ્યમંત્રી એન બિરેન સિંહના બંગલા તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જનો આશરો લીધો. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મણિપુરમાં જાતિ હિંસા ચરમસીમાએ પહોંચી જતાં 17 વર્ષીય વિદ્યાર્થી હિજામ લિનથોઈંગબી અને 20 વર્ષીય ફિઝામ હેમજીતનું 6 જુલાઈએ અપહરણ કરવામાં આવ્યું હતું. તેમના પરિવારજનોને શંકા છે કે તેમની હત્યા સશસ્ત્ર હુમલાખોરો દ્વારા કરવામાં આવી છે.


રાજ્ય સરકારે લોકોને સંયમ રાખવા કરી અપીલ

બંને વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટા ઈન્ટરનેટ મીડિયા પર ફરતા થયા બાદ વિવિધ શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર એકઠા થયા હતા. રાજ્ય સરકારે લોકોને સંયમ રાખવાની અને અધિકારીઓને સમગ્ર મામલાની તપાસ કરવા દેવાની અપીલ કરી છે. સરકારે લોકોને ખાતરી આપી હતી કે અપહરણ અને હત્યામાં સામેલ તમામ આરોપીઓ સામે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application