બિહાર રાજ્યના સમસ્તીપુર જિલ્લાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ઇબ્રાનભાઈ બલાકાતહુસેનભાઈ શેખ નામના 38 વર્ષના યુવાનને ગઈકાલે બુધવારે બપોરના સમયે બેહ ગામના પાટીયા પાસે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ બિહાર રાજ્યના વૈશાલી જિલ્લાના વતની અનવરભાઈ શેખએ અહીંની પોલીસને કરી છે.
ખંભાળીયામાં "મને તુંકારો કેમ આપો છો...? કહી, યુવાનને કરી ફડાકાવાળી
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલા ધરારનગર ખાતે રહેતા સુરેશભાઈ શિવગર ગોસ્વામી નામના 30 વર્ષના યુવાન અત્રે મિલન ચાર રસ્તા નજીક ભગાભાઈની હોટલે ચા પીવા ગયા હતા. ત્યારે યોગેશ્વર નગર, ધરારનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ સરવૈયા નામના શખ્સએ ફરિયાદી સુરેશભાઈ પાસે આવીને "મને તુકારો કેમ આપો છો?" તેમ કહેતા સુરેશભાઈએ "મેં તમને તુકારો આપ્યો નથી" તેમ જણાવ્યું હતું. આ પછી આરોપી રવિરાજસિંહ સરવૈયાએ ઉશ્કેરાઈને તેમને ફડાકા ઝીંકી, તેમનું માથું દુકાનના શટર ઉપર અથડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
દ્વારકામાં સુદામા સેતુ પાસેથી યાત્રિકનો મોબાઈલ ચોરાયો
સુરેન્દ્રનગર ખાતે રહેતા જયેન્દ્રસિંહ સજુભા ઝાલા નામના 52 વર્ષના આધેડ થોડા દિવસો પૂર્વે દ્વારકા આવ્યા હતા. અહીં સુદામા સેતુ પાસેથી કોઈ અજાણ્યો શખ્સ તેમનો રૂપિયા 18,000 ની કિંમત નો વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન સેરવીને લઈ જતા આ અંગે દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, ગઠિયાઓની શોધખોળ હાથ કરી છે.
દ્વારકામાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ચંદ્રેશ નંદકિશોરભાઈ સીમરિયા નામના 30 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લીધો હતો.
વરવાળામાં એકી-બેકીનો જુગાર રમતા બે ઝબ્બે
દ્વારકા નજીક આવેલા વરવાળા ગામના પેટ્રોલ પંપ પાસેથી મેપા નાથા ચૌહાણ અને કાયા રામજી ચૌહાણ નામના બે શખ્સો પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
રૂપેણ બંદર વિસ્તારમાં ટોકન વગર માછીમારી કરતો શખ્સ ઝડપાયો
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઈરફાન તાલબ પટેલિયા નામના 25 વર્ષના મુસ્લિમ માછીમાર યુવાનને દરિયામાં ટોકન લીધા વગર માછીમારી કરતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી.