BREAKING NEWS

AIની અસરઃ મેમરી ચિપની અછતથી સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ મોંઘા થયા

  • June 29, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વધી રહેલા ક્રેઝ અને બૂમની સીધી અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડવા લાગી છે. એઆઈ ડેટા સેન્ટરોમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતી ડીઆરએએમ અને એનએએનડી મેમરી ચિપ્સની માંગમાં અચાનક ભારે ઉછાળો આવ્યો છે, જેના કારણે બજારમાં આ ચિપ્સની ભારે અછત સર્જાઈ છે. ચિપ ઉત્પાદક કંપનીઓ વધુ નફાની લાલચમાં એઆઈ સેક્ટરને પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે. આ આખી પરિસ્થિતિને કારણે ગત ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં મેમરી ચિપની કિંમતોમાં ૪૦ ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના લીધે ભારતમાં બજેટ શ્રેણીથી લઈને પ્રીમિયમ શ્રેણી સુધીના તમામ સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ મોંઘા થઈ ગયા છે.  


સ્માર્ટફોન માર્કેટની વાત કરીએ તો છેલ્લા આઠ મહિનામાં અગ્રણી બ્રાન્ડ્સની કિંમતોમાં મોટો વધારો જોવા મળ્યો છે. રૂ.૧૫,૦૦૦ થી ઓછી કિંમતના બજેટ ફોન્સમાં સેમસંગે ૨૮ ટકા, વીવોએ ૨૭ ટકા, ઓપ્પોએ ૨૩ ટકા, શાઓમીએ ૨૦ ટકા અને રિયલમીએ ૧૯ ટકા સુધીનો ભાવવધારો કર્યો છે. તેવી જ રીતે પ્રીમિયમ સેગમેન્ટ એટલે કે રૂ.૩૦,૦૦૦થી વધુ કિંમતના ફોન્સમાં પણ આ તમામ બ્રાન્ડ્સે ૧૦ ટકાથી ૧૯ ટકા સુધીનો વધારો કર્યો છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયાની નબળાઈને કારણે આયાત ખર્ચ વધી જતાં પણ કિંમતો પર આકરો બોજ પડ્યો છે.  


એપલ કંપનીએ પણ આ ગાળા દરમિયાન તેના પ્રીમિયમ ડિવાઇસીસની કિંમતોમાં જીએસટી સહિત મોટો વધારો કર્યો છે. અહેવાલ મુજબ, એયર ૧૫ (એમફાઈવ)ની કિંમત રૂ.૧,૪૪,૯૦૦ થી વધીને રૂ.૧,૭૯,૯૦૦ અને એયર ૧૩ (એમફાઈવ)ની કિંમત રૂ.૧,૧૯,૯૦૦થી વધીને રૂ.૧,૪૯,૯૦૦ થઈ ગઈ છે. પ્રો સિરીઝમાં પ્રો ૧૪નો ભાવ રૂ.૧,૮૯,૯૦૦થી વધીને રૂ.૨,૩૯,૯૦૦ અને પ્રો ૧૬નો ભાવ રૂ.૨,૯૯,૯૦૦થી સીધો રૂ.૩,૫૯,૯૦૦ પર પહોંચી ગયો છે. આ સિવાય ૧૧માં જનરેશનના આઈપેડની કિંમત રૂ.૩૪,૯૦૦થી વધીને રૂ.૪૯,૯૦૦ અને આઈપેડ એયર (એમફોર)ની કિંમત રૂ.૬૪,૯૦૦થી વધીને રૂ.૮૯,૯૦૦ થઈ છે.  


લેપટોપ બજાર પણ આ મોંઘવારીની અસરમાંથી બાકાત રહ્યું નથી, જ્યાં આસુસ, એસર, એચપી અને લેનોવો જેવી દિગ્ગજ કંપનીઓએ પોતાના બજેટ અને પ્રીમિયમ બંને મોડલ્સના ભાવ વધાર્યા છે. ઓલ ઈન્ડિયા મોબાઈલ રીટેલર્સ એસોસિએશનના સ્રોત મુજબ, એસરના એસ્પાયર થ્રી મોડલની કિંમત રૂ.32,599થી વધીને રૂ.૪૯,૯૯૦ થઈ ગઈ છે, જ્યારે એચપી ૧૫નો ભાવ રૂ.૩૫,૯૯૦થી વધીને રૂ.82,990 થયો છે. આ જ રીતે પ્રીમિયમ અને ગેમિંગ લેપટોપ્સ જેવા કે લેનોવો લીજન-ફાઈવની કિંમત પણ રૂ.૧,૩૭,૪૦૦થી વધીને રૂ.૧,૫૫,૯૦૦ સુધી પહોંચી ગઈ છે. એકંદરે, એઆઈના આ યુગમાં ટેકનોલોજીકલ ઉપકરણો ખરીદવા હવે સામાન્ય ગ્રાહકો માટે વધુ ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application