મળો જામનગરના બર્ડમેનને, જેમની આખી દુનિયા પક્ષીઓ છે...

  • January 10, 2025 10:52 AM 

તેની રિંગટોન પક્ષીઓની છે, તેની બાઇક પર મિસ્ટર બર્ડ લખેલું છે, તેના હાથ પર પક્ષીનું ટેટૂ છે, તેના મિત્રોના નામ પણ તેના મોબાઈલમાં પક્ષીઓના નામે થી જ સેવ છે...


લગભગ બધાને પક્ષીઓ ગમે છે, કોઈને થોડા ઓછા અને કોઈને થોડાં વધારે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાનું આખું જીવન પક્ષીઓને સમર્પિત કરે અને લોકો તેને તેના અસલી નામની જગ્યાએ બર્ડમેન નામથી બોલાવે, તો તેનામાં ચોક્કસપણે પક્ષીઓથી સંબંધિત કંઈક વિશેષ તો હશે. ચાલો તેમના વિશે જાણીએ.


અમે વાત કરી રહ્યા છીએ જામનગરના 39 વર્ષના આશિષ પાણખાણીયાની. આશિષભાઈ એ રિસીવીલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, આંધ્રપ્રદેશમાં ઓનેથોલોજી જે પક્ષી શાસ્ત્ર નો કોર્સ છે 2005 / 2006 માં તેમણે કરેલો. આશિષભાઈ ની આખી દુનિયા પક્ષીઓની આસપાસ ફરે છે. તે પોતાના મોબાઈલમાં તેમના મિત્રોના નામ પણ પક્ષીઓના નામે સેવ કરે છે, તેમણે પોતાના મોબાઈલની રીંગટોન પણ પક્ષીઓના કિલકિલાટ તરીકે રાખી છે. ઘરની જગ્યાએ તેના ઘરની બહાર અંગ્રેજીમાં 'નેસ્ટ' લખેલું છે, જેનો અર્થ થાય છે પક્ષીઓનો માળો. તેમની બાઇક પર મિસ્ટર બર્ડ પણ લખેલું છે અને તેમના હાથ પર બર્ડનું ટેટૂ પણ છે. એટલું જ નહીં પક્ષીઓને તકલીફ ન પડે તે માટે તેઓ ફ્રીજ અને ટીવી જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરતા નથી. માત્ર પક્ષીઓને પોતાનો સમય ફાળવવા માટે તેઓ તેના પરિવારથી દૂર એકલા રહે છે. 


મિસ્ટર બર્ડ નામ કેવી રીતે મળ્યું...?

ઘણાં સમય પહેલા એક વાઇલ્ડ લાઈફ પક્ષીઓના ફોટાનું એક્સિબિશન હતું જેમાં આશિષભાઈની ડ્યુટી બધા પક્ષીઓની માહિતી આપવાની હતી ત્યારે એક નાની છોકરી એ તેમને મિસ્ટર બર્ડ નામ આપ્યું હતો અને લોકો પણ તેને પક્ષીઓ વિશે પોતાના સમજીને પૂછતા, પછી તેઓ મિસ્ટર બર્ડ તરીકે જાણીતા થઈ ગયા. તેમની પાસે પક્ષીઓની 1800 થી 2000 પુસ્તકો તથા ડિજિટલી 2800 જેટલી પક્ષીઓની પુસ્તકો છે.


તેમને પ્રેરણા ક્યાંથી મળી

જ્યારે 1992 - 93 માં જ્યૂરાસિક પાર્ક ફિલ્મ રીલીઝ થયું ત્યાથી આશિષભાઈ ને પ્રેરણા મળી કે તેમને વાઈલ્ડ લાઈફ માં પ્રાણીઓ અને પક્ષીઓ માટે કામ કરવું, પછી ધીમે ધીમે રસ જાગ્યો અને નક્કી કર્યું કે પક્ષી પર જ કામ કરશે.


આશીષભાઈ ના દાદી અને દાદા પર્યાવરણવાદી હતાં એટલે પેઢી થી જ એમને થોડી પ્રેરણા મળી હતી, પછી તેઓ જામનગર લાઈબ્રેરીમાં જઈને સફારી મેગેઝીન વાંચતા, પછી આજુબાજુમાં પક્ષી નિરીક્ષકો ને મળ્યાં. તેમાં જુમાભાઈ જે વન અધિકારી હતા તેઓ સિનિયર પક્ષી નિરીક્ષક છે, તથા યશોતમ ભાટિયા જે સિનિયર પક્ષી નિરીક્ષક અને પક્ષી ફોટોગ્રાફર છે તેમના માર્ગદર્શન થી તથા વન અધિકારી સુરેશ જાની તરફથી જંગલોમાં જવા માટેનો ટેકો મળ્યો આમ તેમની વાઇલ્ડલાઈફ યાત્રા શરૂ થઈ.


2005 પછી માઈગ્રેશન, પક્ષીઓના પ્રવાસ કે હજારો કિલોમીટર નું અંતર કાપીને ક્યાં ક્યાં પક્ષીઓ આવે છે, કઈ જગ્યાએ આવે છે, પક્ષીઓની વસ્તી વધે છે કે ઘટે છે અને ઘટે છે તો તેનું કારણ શું છે ? વગેરે બાબતો જાણીને સરકાર અને વનવિભાગ સાથે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે.


આશિષભાઈ પક્ષી નિરીક્ષણ આશરે 22 થી 23 વર્ષથી કરી રહ્યાં છે. પહેલા તેમની પાસે દૂરબીન, ટેલિસ્કોપ કે બીજા કોઈ સાધનો ન હતાં પછી તેમને ખબર પડી કે આ બાબતો જરૂરી છે જેથી ધીમે ધીમે તેમણે આ સાધનો વસાવ્યા પછી તેનાથી પક્ષીઓનું નજીકથી નિરીક્ષણ કરવાં મળ્યું. હવે પક્ષીઓ જ આશિષભાઈ નો પરિવાર બની ગયો છે. અને તેમના સંરક્ષણ પાછળ જ તેઓ પોતાનું જીવન જીવશે.



તેમણે ઘણી શોધ પણ કરી છે

આશિષભાઈ એ ઘણી શોધો પણ કરી છે. ગ્રેડનોટ નામનું એક કીચડીયુ પક્ષી છે, પછી બ્લેકકેપ કિંગફિશર જે કિંગફિશર ની જ એક પ્રજાતિ છે, બ્લેક ફેંકોલીન કે જે ખુબજ દુર્લભ પક્ષી જે કહેવાતું કે જામનગરમાં ન હોય શકે તે પણ તેઓએ શોધી કાઢ્યું. ઇન્ડિયન વલચર, ઈજિપ્સિયન વલચર, ગ્રીફન વલચર, દરિયાઇ પક્ષી પોમરીન સ્ફુઆ, દરિયાઈ પક્ષી શૂટી ટન તથા નીચલા તળાવમાં લાખો લોકોએ જોયેલ યુરોપીયન પક્ષી ન્યુ શ્વાન વગેરે પક્ષીઓની શોધો જામનગરમાં તેઓએ કરી છે.


જણાવ્યું કે પક્ષીઓનો પ્રોટોકોલ શું છે

પક્ષી કેટલા કિલોમીટર દુરથી આવ્યું તે ખબર કઈ રીતે પડે, તો એના માટે ઘણાં પક્ષીઓના પગમાં અલગ અલગ કલરની રિંગ હોય છે જે ઇંગ્લેન્ડ, યુરોપ, ફિનલેન્ડ જેવા અલગ અલગ દેશોની હોય છે. ઉત્તર ભારતમાં એક પગમાં મેટલની હળવી રિંગ તથા બે સફેદ ઝંડી અને દક્ષિણ ભારતમાં કાળી ઝંડી નો પ્રોટોકોલ છે જેથી ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં માઈગ્રેટ થતા પક્ષોઓનું પણ નિરીક્ષણ થઈ શકે. તેને બર્ડ પ્રોટોકોલ કહેવામાં આવે છે.


જામનગરમાં વિદેશી પક્ષીઓ શા માટે આવે છે...?

જામનગરમાં સૌથી મોટો દરિયાકાઠો તથા ટાપુઓ અને ઘણાં બધાં પાણીનો સંગ્રહ થયેલો છે તેથી પક્ષોઓને અનુકુળ વાતાવરણ અહીં મળી આવે છે. આ માટે જામનગરમાં ઘણા વિદેશી પક્ષીઓ આવે છે. જામનગરના લાખોટા તળાવમાં આજુબાજુમાં ઘણા પ્રકારના પક્ષીઓ જેમકે રશિયા થી આવતું રોઝી સ્ટારલિંગ તેઓ એકસાથે ઘણાં બધાં પક્ષીઓ ભેગા થઈને આકાશમાં આકૃતિઓ રચે છે જેને મુરમુરેશન કહેવાય છે.

જામનગરમાં 350થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે ગ્રેડનોટ જેને મોટો કીચડીયો તરીકે ઓળખાય છે. ઈરાન ઇરાક થી આવતા ક્રેપલો પક્ષીઓ આખા ભારતમાં જામનગરમાં જ 500 થી 1000 ની સંખ્યામાં જોવા મળે છે. આ સિવાય નોર્ધન સ્કીમર, નોર્ધન પિંગટેલ, યુરેશિયન પિજન, યુરેશિયન ટીલ, ગ્રેટવાઈટ પેલીગન, મારશિયન પાઈપર, લિટલ સ્ટોન્ગ, કુંજ પક્ષીઓ તથા બીજા કેટલાય પક્ષીઓ જામનગરમાં આવે છે અને આ માટે જામનગર પ્રસિદ્ધ છે.



તેઓ કેવી રીતે કમાય છે

આશિષભાઈ પ્રોફેશનલ વાઈલ્ડ લાઈફ પક્ષી નિરીક્ષક છે, પક્ષીઓ માટે જ્યારે કોઈ બહારથી બીજા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર આવે ત્યારે તેમને લોકલ પક્ષી નિરીશકની જરૂર હોય છે અને તેની કન્સલ્ટન્ટ ફી ના રૂપે તેમને પૈસા મળતા હોય છે. 



મકરસંક્રાંતિ પર તેમનો શું સંદેશ છે

ઉત્તરાયણમાં પતંગ ઉડાવતી વખતે કાળજી રાખવી તથા કોઈ પક્ષી ઇજાગ્રસ્ત દેખાય તો વનવિભાગ કે નજીકના એનજીઓ માં જાણ કરી તેની તકેદારી લેવી તેવી આશીષભાઈની સલાહ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application