રાજકોટ શહેરના મેડિકલ સ્ટોર્સ દ્વારા બુધવારના રોજ બંધપાળી દેશ વ્યાપી હડતાલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. લોકોને જરૂરી દવાઓ અગાઉથી મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ છતાં અમુક મેડિકલ સ્ટોર્સ ઇમર્જન્સીના ભાગરૂપે ખુલ્લા રાખવામાં આવશે. દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈને અસલી દવાઓની ઉપલબ્ધિ માટે સમગ્ર દેશ ભરના કેમિસ્ટોએ બંધનું એલાન આપ્યું છે. દેશભરમાં ડુપ્લીકેટ દવાઓના વેચાણને અટકાવવા અને દર્દીઓને અસલી દવા મળી રહે તે માટે તારીખ ૨૦ને બુધવારે સમગ્ર દેશના કેમિસ્ટ વેપારીઓ સાથે રાજકોટ સહિત રાજ્યના મેડિકલ સ્ટોરના વેપારીઓએ મેડિકલ સ્ટોર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, દર્દીઓની સુરક્ષા અસલી દવાઓની ઉપલબ્ધતા તેમજ ગેરરીતિઓ અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જીએસઆર ૮૧૭ ઇ પાછું ખેંચીને નિયંત્રણ લાદવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ગેરકાયદે સપ્લાય ચેન અને શંકાસ્પદ સ્ત્રોતોથી દવાઓના પ્રવેશને કારણે નકલી દવાઓનો ખતરો વધ્યો છે જે દર્દીઓના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. દવાઓના ઓનલાઇન વેચાણને લઈને નાના અને મધ્યમ વેપારીઓના વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. તેમજ ઓનલાઇન મળતી સસ્તી દવાઓથી ગુણવત્તા સહિતના પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, મેડિકલ સ્ટોરના બંધને ધ્યાનમાં રાખી લોકો પોતાની જરૂરી દવાઓ અગાઉથી મેળવી લે. બંધના દિવસે ૧૫ જેટલા મેડિકલ સ્ટોર ઈમરજન્સી ભાગરૂપે શરૂ રાખવામાં આવશે તેમજ મેડિકલ એસોસિએશનના સભ્યોનો સંપર્ક સાધવાથી દવાની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે.