ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો હંમેશા આશ્ચર્યજનક રહ્યા છે. તાજેતરમાં અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર આવેલા પરિણામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરનો ભવ્ય વિજય થયો છે, જ્યારે ભાજપના ઉમેદવાર સોનલબેન ડેરને હારનો સામનો કરવો પડ્યો છે.
આ બેઠક રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી કારણ કે ભાજપના ઉમેદવાર સોનલબેન ડેર એ ગુજરાતના જાણીતા અને લોકપ્રિય લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની સુપુત્રી છે. સેલિબ્રિટી કનેક્શન હોવા છતાં, મતદારોએ સ્થાનિક મુદ્દાઓ અને કોંગ્રેસના ઉમેદવાર પર વધુ વિશ્વાસ મૂક્યો હોય તેમ જણાય છે. શાંતિબેન ડેરે મજબૂત લોકસંપર્ક અને પાયાના પ્રશ્નોને વાચા આપીને આ બેઠક અંકે કરી છે.
અમરેલી જિલ્લો હંમેશા રાજકીય રીતે સક્રિય રહ્યો છે. લાઠી તાલુકાની આ જીત કોંગ્રેસ માટે સંજીવની સમાન માનવામાં આવે છે. વિજય બાદ શાંતિબેન ડેરના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવારના સમર્થકોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડી વિજયને વધાવ્યો હતો. શાંતીબેને જણાવ્યું હતું કે આ જીત એ માત્ર મારી નહીં પણ ચાવંડ બેઠકના પ્રત્યેક મતદારોની જીત છે. લોકોએ પક્ષની વિચારધારા અને વિકાસના કામો પર મહોર મારી છે.
આ પરિણામ બાદ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સોશિયલ મીડિયા કે વ્યક્તિગત લોકપ્રિયતા કરતાં સ્થાનિક પ્રશ્નો અને જનસંપર્ક ચૂંટણીમાં વધુ નિર્ણાયક સાબિત થાય છે. હાલમાં ચાવંડ પંથકમાં કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે.