સમગ્ર દેશમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચાઈ ગયું છે તેવી સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના ખાસ બુલેટિનમાં કરવામાં આવી છે. દક્ષિણનું ચોમાસું સક્રિય થઈ ગયું છે તેવી પણ હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે.
દરમિયાનમાં અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ ભાગમાં આવતીકાલે લો પ્રેશર સિસ્ટમ ઊભી થશે અને તેના કારણે તામિલનાડુ કેરલા આંધ્રપ્રદેશ કર્ણાટકા સહિતના દક્ષિણના રાજ્યોમાં હજુ વધુ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. કાલે લો પ્રેશર સર્જાયા પછી ના 48 કલાકમાં એટલે કે મંગળવાર આસપાસ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને વરસાદની માત્રા વધી જશે દક્ષિણના રાજ્યો ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્રના સુધી તેની અસરના ભાગરૂપે વરસાદની શક્યતા નિહાળવામાં આવી છે.
આવી જ બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં ઊભી થઈ રહી છે. અહીં અત્યારે અપર એરસાઇક્લોનિક સર્ક્યુલેશન છે અને તારીખ 24 ના તે લો પ્રેસરમાં ફેરવાઈ જશે.
આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એકાએક વધી ગયું છે. અમદાવાદ રાજકોટ વેરાવળ સુરત કંડલા અને ડીસામાં મહત્તમ તાપમાન નો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ 20 થી ગુજરાતના અમુક ભાગમાં છૂટા છવાયા ઝાપટાની શક્યતા છે. લઘુતમ તાપમાન પણ વધી ગયું છે અને ફુલ ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગે છે.નલિયામાં આજે લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી હતું તે સિવાય સમગ્ર રાજ્યમાં આજે લઘુતમ તાપમાન નો પારો 20 ડિગ્રીને પાર કરી ગયો છે.