ગુજરાતના સૌથી વ્યસ્ત ગણાતા રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોમાસાના પહેલા જ વરસાદમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. હાઇવે પર બગોદરા પાસે ચાર કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિકજામ સર્જાતા હજારો મુસાફરો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સામાન્ય રીતે રાજકોટથી અમદાવાદનું અંતર ચારથી પાંચ કલાકમાં કપાઈ જતું હોય છે, પરંતુ આ ભયાનક ટ્રાફિકજામના કારણે અમદાવાદથી મોડી સાંજે નીકળેલા લોકો આજે સવારે ૧૦:૩૦ વાગ્યે માંડ રાજકોટ પહોંચી શક્યા હતા. પહેલા જ વરસાદમાં આવી કપરી સ્થિતિ સર્જાતા જનતામાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ટ્રાફિકજામ પાછળનું મુખ્ય કારણ હાઇવે પર ચાલી રહેલું સરકારી કામકાજ છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર બગોદરા પાસે હાલમાં એક પુલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે રસ્તાની માત્ર એક જ બાજુ વાહનવ્યવહાર માટે ખુલ્લી રાખવામાં આવી છે. આ દરમિયાન પંથકમાં વરસાદ પડતા જ ડાયવર્ઝન અને ખુલ્લા રસ્તા પર મોટા પાયે પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનોની ગતિ થંભી ગઈ હતી અને જોતજોતામાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ભૂખ્યા-તરસ્યા મુસાફરોની કફોડી હાલત
આ ટ્રાફિકજામ એટલો વિકરાળ હતો કે હાઇવે જાણે કે વાહનોનું પાર્કિંગ પ્લોટ બની ગયો હતો. કલાકો સુધી વાહનો એક જ જગ્યાએ ટસથી મસ ન થતાં વાહનચાલકો હેરાન-પરેશાન બની ગયા હતા. ટ્રાફિકજામમાં ફસાયેલા નાના બાળકો, મહિલાઓ અને વડીલો સહિતના મુસાફરો કલાકોથી હાઇવે પર જ ભૂખ્યા અને તરસ્યા અટવાઈ રહ્યા હતા.
હાઇવે પર વાહનોની લાંબી લાઈનો થતાં બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત ઉઠાવીને વાહનોને ધીમે-ધીમે આગળ ધપાવી ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ચોમાસાની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં જ હાઇવે પર સર્જાયેલી આ અંધાધૂંધીને પગલે ડાયવર્ઝનવાળી જગ્યાઓ પર યોગ્ય મોનિટરિંગ થાય અને પાણીના નિકાલની વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે.