રાજકોટના પોશ વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ પાસે આજે બપોરના સમયે ગાર્ડન સિટી કોમ્પેકસરમ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. બનાવના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલી કન્ટ્રક્શનની ઓફિસમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં પ્રસરી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ગુંગળામણ વધતા ઓફિસમાં કામ કરતા ૧૦ જેટલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા. બનાવને લઇ ચાર ફાયર ફાઇટરો દોડાવાયા હતાં. ફાયર ટીમ અંદર ફસાયેલા લોકોનું રેસ્કયુ કરી તેમને બહાર કાઢાવમાં આવ્યા હતા. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આજરોજ સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ પાસે આવેલા ગાર્ડન સિટી એપાર્ટેમેન્ટમાં બીજા માળે આગ લાગતા ઘટનાની જાણ થતા જ અલગ અલગ ચાર ફાયર સ્ટેશની ફાયર ફાયટરો અહીં દોડાવાયા હતાં. ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફસાયેલા લોકો ભયભીત થઈ ગયા હતા અને બારીઓ પાસે આવીને બુમો પાડવા લાગ્યા હતાં.
ફાયરના સ્ટાફે તાકીદે અહીં સૌ પ્રથમ ફસાયેલા લોકોને રેસ્કયુ કરવા માટે કામગીરી કરી હતી અને તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આગ અહીં બીજા માટે કન્ટ્રક્શનની ઓફિસમાં લાગી હતી. આગ કયાં કારણોસર લાગી હતી અને તેમાં કેટલું નુકસાન થયું તે હજુ જાણી શકાયું નથી. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.