જામનગર: કોર્પોરેશનમાં બોમ્બની ધમકીનો ઇ-મેલ કરનાર સામે સાયબર ક્રાઇમમાં ફરીયાદ
ઇ-મેલ આઇડીના આધારે તપાસનો ધમધમાટ : અજાણ્યા શખ્સે ખોટી ઓળખ ઉભી કરી ભય ફેલાવવા કાવતરૂ રચ્યું
જામનગર મહાનગરપાલીકાની ઓફીસમાં ઇ-મેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેવાના પ્રકરણમાં અજાણ્યા ઇસમે ખોટી ઓળખ ઉભી કરીને ઇ-મેલ કર્યો હોય તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આઇડીના આધારે તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી જામનગર સહિત રાજયમાં સરકારી કચેરીઓ, સ્કુલ, કોર્ટમાં ઇ-મેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે અને દર વખતે અફવાઓ સાબિત થતી આવી છે, ગઇકાલે જામનગર મહાનગર પાલીકામાં પણ બોમ્બ ધમકીનો ઇ-મેલ આવ્યો હતો જેના કારણે ભારે દોડધામ મચી ગઇ હતી અને અલગ અલગ સુરક્ષા ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો. કલાકોની ચેકીંગ કાર્યવાહી બાદ કશુ વાંધાજનક નહીં મળતા તંત્ર સહિતનાઓએ હાંશકારો અનુભવ્યો હતો.
દરમ્યાનમાં જામનગરના બેડેશ્ર્વરમાં રહેતા અને ફાયર ઓફીસર અનવરભાઇ ગજજણ દ્વારા ગઇકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એઆરએલઇએનઇ સ્મીથ વાળા નામનો ઉપયોગ કરનાર કોઇ અજાણ્યા ઇસમે ખોટી ઓળખ ઉભી કરીને ઇ-મેલ આઇડીથી મોકલનાર ધારક અને તપાસમાં જે ખુલે તેની સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૫૧(૩), ૩૫૧(૪), ૩૫૩(૧)(બી), ૬૧(૨)(એ) તથા આઇટી એકટ કલમ ૬૬(સી) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ ઉપરોકત અજાણ્યા આઇડી ધારકે જામનગર મહાનગરપાલીકાના ઇ-મેલ ઉપર ગઇકાલે સવારે ૯-૧૯ વાગ્યે ઇ-મેલ કરી બોમ્બ બ્લાસ્ટ જામનગર મેયર મ્યુનીસીપલ ઓફીસના સબ્જેકટ હેઠળ ગુજરાત બોલેગા ખાલીસ્તાન બોમ્બ ધમાકા... ઓફીસ વિગેરે જેવી અંગ્રેજીમાં વિગતો ટાંકી અલગ અલગ સમય દર્શાવી તેમજ અન્ય વિગતો નોંધીને વિગેરે જેવા લખાણ લખી પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી લોકોમાં તથા જુથમાં ભય, ગભરાહટ પેદા કરવાના ઇરાદાથી બોમ્બ બ્લાસ્ટની ગુનાહીત ધમકી આપવામાં આવી હતી. આ ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે.