BREAKING NEWS

અમદાવાદના વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 8થી 10 ગાડી ઘટનાસ્થળે, 100 લોકોનું રેસ્ક્યૂ

  • February 12, 2026 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ ITC નર્મદા હોટેલની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના ચોથા માળે ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટાળા સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગયા હતા, જેના કારણે અંદર હાજર લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી.


ઘણા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનમાંથી કુલ 8થી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે 25થી વધુ ફાયરકર્મીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. બિલ્ડિંગમાં ધુમાડો વધુ પ્રમાણમાં ફેલાતા ઘણા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા.


100 જેટલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવ્યું

ફાયર વિભાગ દ્વારા સ્નોર્કેલ અને અન્ય સાધનોની મદદથી અંદાજે 100 જેટલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ફાયરકર્મીઓએ બહાદુરી અને તત્પરતા દાખવી હતી. આગના કારણે ચારથી પાંચ લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ જેવી સમસ્યા થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.


શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની સંભાવના

પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે. આગની આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી હતી. સમયસર પહોંચી ફાયર વિભાગે મોટો અકસ્માત ટાળી અનેક લોકોના જીવ બચાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application