ગોંડલના મોટી ખીલોરી ગામની સીમમાંથી ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. પોલીસે અહીંથી ૨૧ કિલોના ૧૦ છોડ સહિત રૂ.૧૦.૬૫ લાખનો મુદામાલ જપ્ત કરી ખેડૂત નિર્મળ આહિરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીએ ગામના જ રહેતા સાધુ જે હાલ અવાસાન પામ્યા છે તેણે ગાંજાનું બી વાવવા માટે આપ્યાનું રટણ કર્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા માદક પદાર્થનું વેચાણ કે સેવન કરતાં શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જને લઇ એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડાની રાહબરીમાં એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી, પરબતભાઈ શામળા, વિરરાજભાઈ ધાધલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ વેગડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન ગોંડલના મોટી ખીલોરી ગામની સીમમાં આવેલ ખારૂડીવાડી વિસ્તારમાં ખેડૂત નિર્મળભાઈ નાથાભાઈ ડેર પોતાની માલીકીની વાડીમાં માદકપદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કર્યું હોય તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે મોટી ખીલોરી ગામની સીમમાં દરોડો પાડતા વાડીમાં એક પતરાવાળો એક શેડ જોવા મળ્યો હતો જે શેડની બાજુમાં ખાટલા ઉપર એક શખસ બેઠો હોય તેનુ નામ પુછતા પોતાનુ નામ નિર્મળ નાથા ડેર (ઉ.વ.૩૫, ધંધો-ખેતી, રહે, મોટી ખીલોરી ગામ, ગોંડલ) હોવાનું જણાવેલ હતું.
પોલીસની ટીમે આ શખસને સાથે રાખી તપાસ કરતાં વાડીના શેઢે વાવેતર કરેલ ગાંજાની ખેતી પકડાતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કુલ નાના મોટા ૨૧ કિલોના ૧૦ છોડ રૂ.૧૦.૬૫ લાખનો ગાંજો મળી આવતાં કુલ રૂ.૧૦.૬૫ લાખનો મુદામાલ કબ્જે કરી ખેડૂત નિર્મળ ડેરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગાંજાનું વાવેતર કરનાર શખસની પોલીસે પુછતાછ કરતા વાડીએ ચાર માસ પહેલા મોટી ખીલોરી ગામમાં જ રહેતા એક સાધુ આવ્યા હતા અને તેમની પાસે રહેલ ગાંજાના બી વાવવા માટે આપ્યા હતા. આરોપીએ પોતાની વાડીના શેઢે ગાંજો વાવી તેનો ઉછેર કરતો હતો, જે વાવેતર તૈયાર કરી વેચવા નીકળે તે પહેલા જ એસઓજીની ટીમે દરોડો પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આરોપીને ગાંજાના બી આપનાર સાધુનું થોડાં સમય પહેલાં જ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.