BREAKING NEWS

ફીફા વર્લ્ડ કપઃ આર્જેન્ટિના સહિત ઘણી ટીમ પોતાના શેફ અને ભોજન સામગ્રી સાથે લાવી, 7 સ્ટાર હોટલમાં જમવાનું ટાળ્યું

  • June 12, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત યજમાનીમાં શરૂ થયેલા 'ફીફા ફૂટબોલ વિશ્વ કપ ૨૦૨૬'માં આ વખતે ખેલાડીઓની ફિટનેસ અને તેમના ખોરાક પર અભૂતપૂર્વ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કહેવત છે કે 'સારું ખાવાનું માણસનો તણાવ દૂર કરે છે', અને આ વાત ફૂટબોલના મહાકુંભમાં સાચી સાબિત થઈ રહી છે. ફીફા વિશ્વ કપમાં ભાગ લેનારી ટીમોને આયોજકો તરફથી સેવન સ્ટાર સુવિધાઓ અને વૈશ્વિક ભોજન આપવામાં આવતું હોવા છતાં, ઘણી આંતરરાષ્ટ્રીય ટીમોએ ટૂર્નામેન્ટ દરમિયાન પોતાના ખેલાડીઓ માટે બહારનું ખાવાનું ટાળ્યું છે. ખેલાડીઓને ઘર જેવો માહોલ અને મનપસંદ પરંપરાગત સ્વાદ મળી રહે તે માટે આર્જેન્ટીના સહિત ઘણી ટીમો પોતાના અંગત શેફ (રસોઈયા) અને સ્થાનિક ભોજન સામગ્રી સાથે લઈને આવી છે.

વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટીનાની ટીમ અને તેમના સ્ટાર કેપ્ટન લિઓનેલ મેસી માટે તેમની પરંપરાગત ડિશ 'અસાદો' ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેસીના જણાવ્યા મુજબ, અસાદોમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન અને ઝિંકનું કોમ્બિનેશન હોય છે, જે ખેલાડીઓના મસલ્સ (સ્નાયુઓ) મજબૂત કરવામાં, શરીરમાં ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટ બહેતર બનાવવામાં અને ભારે ટ્રેનિંગ પછી ઝડપથી રિકવર થવામાં અદ્ભુત મદદ કરે છે. મેસીનું માનવું છે કે મનપસંદ અને પૌષ્ટિક ભોજન મળવાથી ખેલાડીઓને માનસિક રીતે પણ મજબૂતી મળે છે. અસાદો એ એક નોન-વેજ ડિશ છે, જેને લાકડા કે કોલસાની ધીમી આંચ પર શેકીને (બારબેક્યુ) તૈયાર કરવામાં આવે છે. આર્જેન્ટિનાની સંસ્કૃતિમાં આ ભોજન આખી ટીમ સાથે મળીને એકસાથે માણે છે, જે તેમનામાં ટીમ ભાવના વધારે છે. આ જ કારણે આર્જેન્ટિનાની ટીમે પોતાનો બેઝ કેમ્પ પસંદ કરતી વખતે એવી જગ્યા પસંદ કરી છે જ્યાં પરંપરાગત ખુલ્લા મેદાનમાં અસાદો બનાવવાની પૂરતી વ્યવસ્થા હોય.

દુનિયાની દિગ્ગજ ટીમોમાં સામેલ બ્રાઝીલની ટીમ આ વખતે પણ પોતાની સાથે પ્રખ્યાત બ્રાઝીલીયન કોફી, ખાસ મસાલા અને 'કસાવા લોટ' લઈને આવી છે. બ્રાઝીલના ખેલાડીઓને ખાસ ડિશ 'ફારોફા' ખૂબ પસંદ છે, જેને બનાવવા માટે આ કસાવા લોટનો ઉપયોગ થાય છે. બ્રાઝીલની ટીમે ન્યૂયોર્કમાં પોતાનો હાઇટેક બેઝ કેમ્પ બનાવ્યો છે. બીજી તરફ, સાઉદી અરેબિયાની ટીમ પોતાના ખેલાડીઓની ડાયેટ માટે ખાસ પ્રકારના ગુણવત્તાયુક્ત ખજૂર મોટી માત્રામાં સાથે લાવી છે. સાઉદી અરેબિયાની ટીમ ટેક્સાસના ઓસ્ટિનમાં પોતાના બેઝ કેમ્પ પર પહોંચી ચૂકી છે અને તેમના ખેલાડીઓના રોજિંદા આહારમાં ખજૂર એક મહત્વનો હિસ્સો છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કેપ્ટનશીપ વાળી પોર્ટુગલની ટીમ ખેલાડીઓની કડક ફિટનેસ માટે જાણીતી છે. પોર્ટુગલની ટીમ પોતાની સાથે ખાસ ડાયેટિશિયન અને રસોઈયા લાવ્યા છે, જેઓ ખેલાડીઓ માટે 'લો ફેટ' (ઓછી ચરબી) અને 'લો કેલરી' વાળું હાઈ-પ્રોટીન ભોજન તૈયાર કરે છે જેથી ખેલાડીઓ મેદાન પર ચપળ રહી શકે. જ્યારે સ્પેનની ટીમ પોતાની સાથે માત્ર શેફ જ નહીં પરંતુ પ્રોફેશનલ ખાન-પાન વિશેષજ્ઞો પણ લાવી છે. સ્પેનિશ ટીમના પોષણ કાર્યક્રમમાં 'મેડિટેરેનિયન ડાયેટ'ને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં જૈતુનનું તેલ (ઓલિવ ઓઇલ), માછલી અને તાજા શાકભાજીનો સમાવેશ થાય છે જે ખેલાડીઓની સહનશક્તિ વધારે છે. આ સાથે જ, જાપાનની ટીમ પણ પોતાના ખેલાડીઓની ઉર્જા જાળવી રાખવા માટે પોતાના પરંપરાગત ચોખા, મિસો સૂપ અને સમુદ્રી શેવાળ જેવી ખાદ્ય સામગ્રી પોતાના દેશમાંથી સાથે લાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application