કમિશનર વિના મનપા–રૂડા રામભરોસે, ચાર્જ સોંપણી ટલ્લે

  • December 03, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇ છેલ્લા વીસેક દિવસથી રજા ઉપર હતા દરમિયાન તાજેતરમાં એકાદ દિવસ થોડો સમય માટે આવ્યા બાદ હવે ફરી ૨૫ દિવસ સુધી આગામી તા.૨૫ ડિસેમ્બર સુધી રજા ઉપર ગયા છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં મહાપાલિકા અને ડા કચેરી રામભરોસે મુકાઇ ગઇ છે, બીજી બાજુ હજુ સુધી કોઇને ચાર્જ સોંપણી કરાઇ ન હોય વિકાસકામોથી લઇને રોજિંદા કામો ટલ્લે ચડી ગયા છે. મહાપાલિકા કે ડા કચેરીમાં અરજદારો આવે તો હવે કોને મળવું, અંતિમ રજુઆત કે ફરિયાદ કોને કરવી તે અંગે કોઇ માર્ગદર્શન મળતું નથી, ખાસ કરીને કમિશનર સ્તરે પેન્ડિંગ રહેલી ફાઇલોનો નિર્ણય વિલંબિત થઇ રહ્યા છે. ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં પ્લાન પાસ, બીયુપી, ડિમોલિશન, ઇમ્પેકટની અરજીઓ, ફાયર બ્રિગેડ બ્રાન્ચમાં એનઓસી, વિવિધ શાખા હસ્તકના નવા વિકાસકામોના ટેન્ડરથી લઇ રોજિંદા કામ પણ ઠપ્પ થઇ ગયા છે. મ્યુનિ.કમિશનર લાંબી રજા ઉપર જતાં સ્ટાફને ગુ ગયા ગોકળ અને ચેલાને થઇ મોકળ જેવો તાલ સર્જાયો છે. અન્ય અનેક અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ પણ રજા ઉપર ઉતરી ગયા છે. બીજી બાજુ આજે રાજકીય પાંખમાં એક માત્ર સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર સિવાયના પદાધિકારીઓ અને કમિટીઓના ચેરમેન પણ કચેરીમાં જોવા મળ્યા ન હતા. અગાઉ મ્યુનિ.કમિશનર વીસેક દિવસ રજા ઉપર ગયા ત્યારે જિલ્લા કલેકટરને ચાર્જ સોંપાયો હતો પરંતુ હવે બીજી વખત લાંબી રજા ઉપર ગયા છે ત્યારે ચાર્જ સોંપણી અંગે આજે બપોરની સ્થિતિ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. અલબત્ત એવી ચર્ચા છે કે આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં આ મામલે કંઇક નિર્ણય થશે અથવા તો સરકારમાંથી માર્ગદર્શન આવશે.
મહાપાલિકા કચેરીમાં તો હજુ સેકન્ડ કે થર્ડ કેડરના અધિકારીઓ અથવા તો અધિકારી ગેરહાજર હોય તો કામ થાય કે ન થાય તેમના પીએ હાજર હોય ત્યાંથી જવાબ તો મળી રહે છે, યારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડા)ની કચેરીમાં તો સામાન્ય દિવસોમાં પણ સ્ટાફ ઓછો હાજર હોય છે ત્યારે હાલ મ્યુનિસિપલ કમિશનર કમ ડા ચેરમેન ડી.પી.દેસાઇ રજા ઉપર જતા ડામાં પણ વિકાસકામો ટલ્લે ચડી ગયા છે. ડા કચેરીમાં હાજરીનું ચેકિંગ થાય તો ૭૫ ટકા સ્ટાફ ગેરહાજર મળે નિશ્ચિત છે. ડામાં બોર્ડ મિટિંગ અને મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજવાનો સમય નજીકમાં છે ત્યારે મ્યુનિ.કમિશનરની ગેરહાજરીમાં દરખાસ્તો તૈયાર થઇ ન હોય આ બન્ને મિટિંગ પણ હવે કયારે મળશે તે નક્કી નથી. મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં જો સેન્ટ્રલ ઝોન કચેરી તેમજ ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીમાં હાજરીનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો પચાસ ટકા સ્ટાફ ગેરહાજર મળે તે નક્કી છે

એક જ જવાબ: કમિશનર આવે ત્યારે આવજો

મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કામકાજ સબબ આવતા અરજદારોને હાલ એક જ જવાબ મળી રહ્યો છે કે કમિશનર રજા ઉપર છે, કમિશનર આવે ત્યારે આવજો. રાજકોટની પરંપરા મુજબ નીચેના લેવલે રજૂઆત કરવાને બદલે અરજદારો સીધા જ કમિશનરને મળતા હોય છે ત્યારે હાલના સંજોગોમાં અરજદારોની હાલત વધુ માઠી થઇ ગઇ છે. શું બધું જ કામ કમિશનર જ કરતા હોય ?! કમિશનર ન હોય તો કઇં થાય જ નહીં ?! સામાન્ય રોજિંદા કામો પણ ન થાય ? તેવા અનેક સવાલો અરજદારોને મનમાં ઘુમરાઇ રહ્યા છે.

ડિસેમ્બરના અંતે આઇએએસની બદલી?

રાજકોટ સહિત સમગ્ર રાયમાં ડિસેમ્બરના અતં સુધીમાં અથવા તો જાન્યુઆરી મહિનાના પ્રારંભે આઇએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો આવશે તેવી અધિકારી વર્તુળોમાં વ્યાપક ચર્ચા છે ત્યારે શું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇ રજા ઉપર છે તે સમયગાળામાં જ તેમની બદલી થઇ જશે કે પછી તેઓ રજા ઉપરથી હાજર થશે તે સાથે જ તુરતં બદલી થશે ? આવા અનેક સવાલોની મહાપાલિકાના વર્તુળોમાં ગરમાગરમ ચર્ચા છે.

અગ્નિકાંડ પછી રાજકોટ આવવા કોઇ રાજી નથી
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકામાં સર્જાયેલી પરિસ્થિતિ નિહાળ્યા પછી કોઇ સારા અધિકારી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે આવવા રાજી નથી. અમદાવાદ, સુરત કે વડોદરામાં પોસ્ટિંગ મેળવવા માટે જે રીતે અધિકારીઓ ઉત્સુક હોય છે તેવું રાજકોટ માટે હવે રહ્યું નથી. ઉલટું રાજકોટથી બદલી કરાવવા માટે અનેક અધિકારીઓ લોબિંગ કરાવી રહ્યા છે. અમુક અધિકારીઓ કે જેમને ફરજકાળનો લાંબો સમય બાકી નથી તેઓ પણ મહાપાલિકામાંથી રાજીનામુ આપવાની રેસમાં જોડાઇ ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application