BREAKING NEWS

કસ્ટમ વિભાગ માથું પકડી ગયું!, 45 લાખનું સોનું પેસ્ટ કરી અંડરવેરમાં છૂપાવનાર દુબઈથી આવેલો શખ્સ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો

  • February 09, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના એક ચોંકાવનારા કેસનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG-016 દ્વારા આવેલા એક શખસ પાસેથી કુલ અંદાજે 96 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓને મુસાફરની શંકાસ્પદ હિલચાલ નજરે પડતા તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં દાણચોરીની અનોખી અને ચતુર રીત સામે આવી હતી.


અમદાવાદ એરપોર્ટ પર તૈનાત કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ આ કાર્યવાહી હાથ ધરી હતી. ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ શખસની ચાલચલન અને વર્તન શંકાસ્પદ લાગતા અધિકારીઓએ તેને અટકાવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન શખસ પાસે રહેલા પર્સની તપાસ કરતાં 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી. કુલ 324.140 ગ્રામ વજનના આ સોનાની અંદાજિત બજાર કિંમત રૂપિયા 51,73,274 થાય છે. આ સોનું મુસાફરે પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યું હતું.


પરંતુ કસ્ટમ્સ અધિકારીઓને શખસની હરકતો પરથી વધુ શંકા જતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે, શખસે સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને પોતાના અન્ડરવેરમાં છુપાવ્યું હતું. આ પેસ્ટ પહેલી નજરે સામાન્ય કપડાની જેમ દેખાતી હતી, જેના કારણે કોઈને પણ તરત શંકા ન આવે. બાદમાં આ પેસ્ટ પર રાસાયણિક પ્રક્રિયા કરતા 277.800 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું પ્રાપ્ત થયું, જેની અંદાજિત કિંમત રૂપિયા 44,33,688 થાય છે.


આ રીતે કસ્ટમ્સ વિભાગે કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની કુલ બજાર કિંમત રૂપિયા 96,06,962 જેટલી થાય છે. સોનાને છુપાવવાની આ અનોખી મોડસ ઓપરેન્ડી જોઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે. હાલ આ સોનું કોને પહોંચાડવાનું હતું, દાણચોરીના આ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં અને દુબઈથી સોનાની તસ્કરી કેવી રીતે આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી હતી તે અંગે કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application