મડગાંવ એક્સપ્રેસ ત્રણ મિત્રોની વાર્તા કહેતી કોમેડી ફિલ્મ

  • March 30, 2024 01:27 PM 

માગ્દર્શક તરીકે કુણાલ ખેમુના કરિયરની આ પહેલી ફિલ્મ છે. ’દિલ ચાહતા હૈ’ અને ’જિંદગી ના મિલેગી દોબારા’ની જેમ  ’મડગાંવ એક્સપ્રેસ’ પણ ત્રણ મિત્રોની સફરની વાત છે, પણ આ એકદમ  ’ફુકરે’ શૈલીની ફિલ્મ છે.  જેનો એક જ ઉદ્દેશ્ય છે - દર્શકોને આનંદ મળવો જોઈએ.  અને પૈસા વસૂલ ફિલ્મ છે.  હું એમ નહીં કહું કે આ ફિલ્મ તમને દરેક સીનમાં એન્ટરટેઈન કરશે, પણ આખી ફિલ્મમાં સતત મનોરંજન આપવાનો પ્રયાસ જરૂર થયો છે. 

મુંબઈમાં રહેતા ત્રણ મિત્રો ડોડો, આયુષ અને પ્રતિક નાનપણથી જ ગોવા જવાના સપના જોતા હતા, પણ જઈ નહોતા શકતા. હવે આ ત્રણ મિત્રો મોટા થઈને અલગ અલગ દેશમાં રહે છે.  બે જણ ખૂબ સફળ થઈને અન્ય દેશમાં વસી જાય છે અને એક જણ ત્યાં નો ત્યાં જ રહી જાય છે. વર્ષો બાદ તેઓ રિયુનીયનનો પ્લાન બનાવે છે. અચાનક એક દિવસ રેન્ડમલી ગોવા જવાનો પ્લાન બને છે. જે રીતે તેઓ શાળામાં આયોજન કરતા હતા એ જ રીતે ઓછામાં ઓછા પૈસામાં ડોડો આ સફરનું આયોજન કરે છે.  જેની શરુઆત મુંબઈથી ગોવા જતી મડગાંવ એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચથી થાય છે. આ તેમના જીવનનો સૌથી ખતરનાક નિર્ણય સાબિત થાય છે જ્યારે ટ્રેનમાં ચડતા પહેલા પ્રતિકની બેગ કોઈની સાથે અદલાબદલી કરવામાં આવે છે. આ ત્રણેય મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવે છે, નોરા ફતેહી કેવી રીતે તેમને મદદ કરે છે અને આ દરમિયાન ત્રણેયની પોતાની અંગત ક્ષણો છે તેની આસપાસ ફરે છે.

શરૂઆતથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ ’દિલ ચાહતા હૈ’ જેવી નહિ પણ તેનાથી તદ્દન અલગ પ્રકારની ફિલ્મ છે.  ફિલ્મમાં ડોડોનું પાત્ર તમને ઘણી વખત હસાવશે અને હંમેશા તમને તમારા સૌથી ઉત્સાહી મિત્રની યાદ અપાવશે.  ફિલ્મમાં ઘણા જુદા જુદા પાત્રો છે અને દરેકની પોતાની વિશેષતા છે જેમ કે મેન્ડોઝા ભાઈ અને કંચન કોમડી.  કુણાલ ખેમુએ જ આ વાર્તા લખી છે અને તે સ્પષ્ટ છે કે ’ગોલમાલ’ જેવી ફિલ્મમાં કામ કરવાથી તેને આ ફિલ્મમાં ઘણી મદદ મળી. ફિલ્મના દરેક દૃશ્યમાં રમૂજ દેખાય છે. ફિલ્મમાં ઘણી વખત ’દિલ ચાહતા હૈ’નો રેફરન્સ આપવામાં આવ્યો છે અને એ પણ બતાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ જ આ ત્રણેય માટે ગોવા પ્રવાસની પ્રેરણા હતી.  બાકીના ત્રણ બેડ ફાઈટ સીન, કંચન કોમેડીના અડ્ડા પરની ફાઈટ ફિલ્મના શ્રેષ્ઠ દૃશ્યો પૈકીના એક છે. નૌરા ફતેહીને અહીં ફક્ત તેના ગ્લેમર માટે લેવામાં આવી છે તે સ્પષ્ટપણે દેખાય છે.  રેમો ડિસોઝાનો કેમિયો પણ કંઈ ખાસ મહત્ત્વનો લાગતો નથી. ફિલ્મનું સંગીત ફ્રેશ છે.


’મડગાંવ એક્સપ્રેસ’ એ પ્રકારની ફિલ્મ છે જે તમને બોર થવાનો સમય નથી આપતી. સતત તેજ ગતિએ દોડતી રહે છે. કુણાલે એક રિલેટેબલ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તે ઘણી હદે સફળ થયા છે.  કારણ કે ફિલ્મનું લેખન મજેદાર છે,  શાર્પ છે.  લેખક અહીં બખૂબી જાણે છે કે તેઓ શું લખી રહ્યા છે અને તે સ્ક્રીન પર કેવું દેખાશે.  હિન્દી ફિલ્મોમાં ગોવાની એક ઇમેજ બનાવવામાં આવી છે.  જ્યારે આ ત્રણેય છોકરાઓ ગોવા પહોંચે છે, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ગોવા ફિલ્મોમાં બતાવવામાં આવ્યું હતું તેવું નથી.  પરંતુ પછીના જ સીનમાં ’મડગાંવ એક્સપ્રેસ’ ગોવાની એ જ ફિલ્મી ઈમેજને આગળ લઈ જાય છે, જેને પાછલા સીનમાં તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્યેન્દુ શર્માએ આ ફિલ્મમાં મહેફિલ લૂંટી લીધી છે. ઘણા દૃશ્યોમાં તેના એક્સપ્રેશન્સ અને તેના સંવાદો તમને ખૂબ હસાવશે. અહીં દિવ્યેન્દુએ ’પ્યાર કા પંચનામા’ના તેના પાત્ર લિક્વિડની યાદ અપાવી અને બતાવ્યું કે તે મિર્ઝાપુરના મુન્ના ભૈયાની જેમ આ પ્રકારનું પાત્ર પણ કરી શકે છે. સાથોસાથ અવિનાશ તિવારી પણ દિવસે ને દિવસે સૌના ફેવરિટ બની રહ્યા છે, પહેલા ’ખાકી’, ’બોમ્બે મેરી જાન’, ’કાલા’ અને હવે આ કોમેડી ફિલ્મ. તેની પ્રતિભા અદ્ભુત છે અને આ જ બાબત પ્રતીક ગાંધીના કામમાં જોવા મળી. જેનું પાત્ર આ ફિલ્મમાં બે શેડ દર્શાવે છે અને તે બંનેમાં અદ્ભુત કામ કરતા જોવા મળે છે. બાકીના કલાકારોનું કામ પણ સારું છે અને કુણાલ ખેમુ પણ એક સરપ્રાઇઝની જેમ આવે છે.

કુણાલ ખેમુનું દિગ્દર્શન શ્રેષ્ઠ છે. તેની સેન્સ ઓફ હ્યુમર અને ડિરેક્શન આ ફિલ્મને સારી અને મનોરંજક ફિલ્મ બનાવે છે.  દિગ્દર્શક તરીકે કુણાલની આ પહેલી ફિલ્મ છે અને તેનું કામ જબરદસ્ત છે.  હવે જોવાનું એ રહે છે કે કુણાલ ભવિષ્યમાં માત્ર કોમેડીમાં જ કામ કરતો જોવા મળશે કે પછી અન્ય જોનરમાં પણ કામ કરશે.  ફિલ્મના તમામ ફાઇટ સીન અદ્ભુત રીતે શૂટ કરવામાં આવ્યા છે અને સંગીત પણ અલગ જ ડેપ્થ ઉમેરે છે. જો તમે કંઈક મનોરંજક જોવા માંગતા હોવ અને મિત્રો સાથે વિતાવેલી જૂની પળોને યાદ કરવા માંગતા હો, તો તમે આ ફિલ્મ ચોક્કસ જોવા જઈ શકો છો.
​​​​​​​
એક્સ્ટ્રા શોટ:
ભલે ’મડગાંવ એક્સપ્રેસ’ કૃણાલની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હોય, પરંતુ તેણે અગાઉ ’ગો ગોવા ગોન’ના ડાયલોગ્સ પણ લખ્યા હતા.  બાળ કલાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં કામ કર્યા પછી અને હીરો તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરતા પહેલા કુણાલે લાંબા સમય સુધી થિયેટર કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application