લોધીકા પંથકમાં થયેલી લૂંટમાં એમ.પી.ની ધાર ગેંગ ઝડપાઇ

  • November 09, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકા તાલુકાના ખાંભા ગામ પાસે ત્રણ માસ પૂર્વે વેપારીને રોકી રૂ.૭૦ હજાર રોકડ અને બાઇકની લૂંટ કરવાના ગુનામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે મધ્યપ્રદેશની ધાર ગેંગના ચાર શખસોને ઝડપી લીધા છે.જયારે બે શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પકડાયેલી આ ટોળકીની પુછપરછ કરતા લોધિકા પંથકની આ લૂંટ અને શાપરની મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.


જાણવા મળતી વિગતો મુજબ ગત તા. ૧૨/૮/૨૦૨૩ ના રોજ શાપરમાં રહેતા વેપારી ચમનભાઇ અરજણભાઇ ચૌહાણ લોધિકાના માખાવડ ગામે પોતાની દૂકાનેથી બાઇક લઇ ઘરે જતા હતા ત્યારે ખાંભા ગામ પાસે તેમને રસ્તામાં આંતરી તેમની પાસે રહેલા થેલામાંથી રોકડ રૂ.૭૦ હજાર તથા બાઇક નં.જીજે ૩ કેએસ ૨૯૫૪ મળી કુલ રૂ.૯૫૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવી હોવાની લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ગુનાનો ભેદ વણઉકેલ હતો.
દરમિયાન જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરની સૂચનાને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એસ.ચી.ગોહિલ અને ડી.જી.બડવા તથા તેમની ટીમે લૂંટના આ ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.
​​​​​​​
દરમિયાન પોલીસે એમ.પીના ધાર, મહારાષ્ટ્રના થાણે અમરેલીના કુંકાવાવથી શંકાસ્પદ શખસો ઉઠાવી લઇ આ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે આ લૂંટમાં પકડી પાડેલા આરોપીઓમાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કેરમસીંગ જહીરયાસીંગ મેહડા(ઉ.વ ૩૦),યુવરાજ ઉર્ફે લાલુ રણસીંગ પવાર(ઉ.વ ૨૭),સદન ખડગસીંગ પવાર(ઉ.વ ૨૨) અને હીરાસીંગ અભયસીંગ પવાર(ઉ.વ ૪૫) નો સમાવેશ થાય છે.પોલીસની પુછતાછમાં આ ગેંગે લોધિકાના ખાંભા ગામે થયેલી રોકડ રકમ અને બાઇકની લૂંટ ઉપરાંત શાપર પોલીસ મથકમાં દાખલ થયેલી મોબાઇલ ચોરીના ગુનાની પણ કબુલાત આપી હતી.આ ટોળકીમાં પીન્ટુ અને રોહિત ઇડલીયા વાસ્કલા (રહે.ધાર.એમ.પી) સામેલ હોય તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application